અપેક્ષા મુજબ કોહલીને આરામ, રોહિત નેતૃત્વ સંભાળશે

Indian News

Indian News

Author 2019-10-25 05:12:00

img

। મુંબઇ ।

બીસીસીઆઇની મુખ્ય પસંદગી સમિતિએ ગુરુવારે બાંગ્લાદેશ સામેની આગામી ટ્વેન્ટી૨૦ તથા ટેસ્ટ શ્રેણી મટેની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. અપેક્ષા મુજબ નિયમિત સુકાની વિરાટ કોહલીને ટી૨૦ શ્રેણીમાં આરામ અપાયો છે. તેના સ્થાને રોહિત શર્મા નેતૃત્વ સંભાળશે. જોકે કોહલી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં પાછો ફરશે. મર્યાદિત ઓવરની ટીમમાં રિષભ પંતના કવર તરીકે સંજૂ સેમસનને સામેલ કરાયો છે. યુજવેન્દ્ર ચહલનું પણ ટીમમાં પુનરાગમન થયું છે. નોંધનીય છે કે ભારત ઓક્ટોબર ૨૦૧૮થી તમામ ફોર્મેટની ૫૬ મેચ રમી છે જેમાં કોહલી ૪૮ રમ્યો છે. રાંચ ટેસ્ટ દરમિયાન બોર્ડના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ કોહલીના આરામના મુદ્દે જણાવ્યું હતું કે સુકાની શું ઇચ્છે છે તે બાબત તેની ઉપર મદાર રાખે છે.

મુંબઇના ઓલરાઉન્ડર શિવમ દુબેને પ્રથમ વખત ટીમમાં સામેલ કરાયો છે. તેને ઈજાગ્રસ્ત ર્હાિદક પંડયાના સ્થાને ટીમમાં તક મળી છે. ટી૨૦ ટીમમાં મુંબઇના પેસ બોલર શાર્દૂલ ઠાકુરને પણ સામેલ કરાયો છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આરામ અપાયો છે.

ભુવનેશ્વર અને બુમરાહને ફિટ થવામાં સમય લાગશે

પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે અનુભવી પેસ બોલર ભુવનેશ્વરકુમાર ઈજામાંથી મુક્ત થઇને વેસ્ટ ઇન્ડિઝ સામે રમનારી આગામી શ્રેણી દ્વારા પુનરાગમન કરી શકે છે. જોકે ભારતીય ટીમના આધારભૂત પેસ બોલર જસપ્રીત બુમરાહને સંપૂર્ણ ફિટ થઇને ટીમમાં પાછા ફરવામાં સમય લાગશે.

સંજૂ સેમસન બેક-અપ વિકેટકીપર અને બેટ્સમેન

બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં સંજૂ સેમસને તાજેતરમાં જ બેવડી સદી ફટકારી હતી. તેને રિષભ પંતના બીજા વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમની પસંદગી પહેલાં બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો રિષભ અને સંજૂ બંને ટીમમાં સાથે રહેશે તો પણ કોઇ સમસ્યા નહીં થાય કારણ કે બંને એકસાથે આઇપીએલમાં રમી ચૂક્યા છે. વન-ડેમાં રિષભને નજીવી સફળતા મળી હોવાના કારણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંજૂને રમાડવાનો સમય પાકી ગયો છે. ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે અન્ય વિકલ્પને પણ જોવાની જરૂર છે. કોહલી ટીમમાં નહીં હોવાના કારણે સંજૂને બેક-અપ બેટ્સમેન તરીકે પણ જોવામાં આવે છે.

ભારત-બાંગ્લાદેશની ટી૨૦ તથા ટેસ્ટ શ્રેણીનો પૂરો કાર્યક્રમ

ત્રીજી નવેમ્બરથી નવી દિલ્હી ખાતે શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી૨૦ શ્રેણી (બે અન્ય મેચ રાજકોટ અને નાગપુર) ઉપરાંત બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે બે ટેસ્ટ મેચ (ઇન્દોર અને કોલકાતા) પણ રમશે. ટી૨૦ની પ્રથમ મેચ ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં, બીજી મેચ સાતમી નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી મેચ ૧૦મી નવેમ્બરે નાગપુરમાં રમાશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ૧૪ની નવેમ્બરથી ઇન્દોરમાં તથા બીજી ટેસ્ટ ૨૨મી નવેમ્બરથી કોલકાતા ખાતે રમાશે.

ભારતીય ટી૨૦ ટીમ

રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ એહમદ, શિવમ દુબે, શાર્દૂલ ઠાકુર.

ભારતીય ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૂજારા, રહાણે, હનુમા વિહારી, સાહા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN