આજથી દોહામાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Indian News

Indian News

Author 2019-09-27 06:36:02

img

દોહા, તા.૨૬

આઇએએએફ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આવતીકાલથી દોહામાં પ્રારંભ થશે. વિશ્વના ૨૦૯ દેશોના ૧,૯૭૨ જેટલા એથ્લીટ્સ જુદી-જુદી ૨૪ સ્પર્ધામાં ભાગ લેશે. આવતીકાલે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે જ કતાર મધ્ય એશિયાનો એવો સૌપ્રથમ દેશ બનશે કે, જ્યારે એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થયું હોય. એથ્લેટિક્સના મહાકુંભમાં ભારતના ૨૭ ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે, જેમાં યુનિવર્સિટી વર્લ્ડ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ દુતી ચંદ પણ સામેલ છે.

દોહાના ખલિફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૧૦ દિવસ સુધી ચાલનારા રમતોત્સવનો પ્રારંભ થશે. ત્યારે દુનિયાભરના ટોચના એથ્લીટ્સ આવતા વર્ષના ઓલિમ્પિક પહેલા પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે હરિફાઈ કરશે.

૧૦૦ મીટરની પુરુષોની દોડનો વર્લ્ડ ચેમ્પિયન જસ્ટીન ગાટલિન, છ વખતની ઓલિમ્પિક મેડાલીસ્ટ એલિસન ફેલિક્સ તેમજ સ્પ્રિન્ટર્સ શેલી-એન ફ્રાસેર પ્રેસી તેમજ એલાને થોમસ પર દુનિયાભરના રમત ચાહકો અને વિવેચકોની નજર રહેશે.

ડોપિંગના મામલે ઉદાસિન રહેલા રશિયા પરનો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકમાં આવતીકાલના મેગા શૉમાં રશિયાનો રાષ્ટ્ર ધ્વજ જોવા નહી મળે. જોકે રશિયાના કેટલાક એથ્લીટ્સ સ્વતંત્ર એથ્લીટ્સ તરીકે સ્પર્ધામાં ભાગ લેવાના છે. ૪૯ વર્ષનો જીસસ એંજલ ગાર્સિયા શનિવારે ૫૦ મીટરની વોક રેસમાં સ્પર્ધામાં ઉતરશે. આ સાથે ઈતિહાસ રચાશે. ગાર્સિયા વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો એથ્લીટ બની જશે.

 આયોજકોએ જાહેરાત કરી છે કે, તમામ ૧૦ દિવસની ટિકિટો વેચાઈ ચૂકી છે અને ૧૦ દિવસની ચેમ્પિયનશિપમાં બે લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજરી આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઓપન એર અને એન્વારયમેન્ટ ફ્રેન્ડલી કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાતાવરણને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્ટેડિયમનું સમાન્ય તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને તે ઘટાડીને ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવામાં આવશે.

પહેલી વખત મધરાતે મેરેથોન યોજાશે

વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પહેલી વખત મેરેથોન ઈવેન્ટનું આયોજન મધરાતે કરવામાં આવ્યું છે. ખેલાડીઓને કતારની ભયંકર ગરમીથી બચાવવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવશે. મેરેથોન માટે ખાસ પ્રકારે ફ્લડ લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૦૫માં મેરેથોન જીતનારી બ્રિટનની પાઉલા રેડક્લિફે કહ્યું કે, આ ઈવેન્ટ પ્રેક્ષકોની રીતે જ નહી પણ ખેલાડીની રીતે પણ નવતર પ્રયોગ સમાન છે. એથ્લીટ્સ માટે આ નવો અનુભવ યાદગાર રહેશે તેમ લાગી રહ્યું છે.

ભારતને મિક્સ રિલેમાં મેડલની આશા : દુતી ચંદનું ફાઈનલમાં પ્રવેશવાનું લક્ષ્‍ય

ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ૩૬ ખેલાડીઓની યાદીની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ચેમ્પિયશિપમાં ભારતની મેડલની આશા મિક્સ રિલે ટીમ તેમજ દુતી ચંદ પર ટકેલી છે. જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ફિટ ન હોવાથી તે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો નથી. જ્યારે ભારતની ટોચની એથ્લીટ હિમા દાસ તેની ૪૦૦ મીટરની ઈવેન્ટમા ક્વોલિફાય થઈ શકી નહતી. આ પછી તેને રિલે ટીમમા સામેલ કરવામાં આવી હતી. જોકે તે ઈજાના કારણે ખસી ગઈ હતી. દુતી ચંદ પણ ૧૦૦ મીટરની દોડમાં વર્લ્ડ ચેમ્પિનશિપમાં ક્વોલિફાઈ થઈ શકી નથી, પણ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ એસોસિશેને તેને તેના રેન્કિંગને આધારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સીધો પ્રવેશ આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલી વખત મિક્સ રિલે ઈવેન્ટ યોજાઈ રહી છે, જેમાં ભારતની આશા મોહમ્મદ અનસ, એમ. આર. પૂવામ્મા, વી. કે. વિસ્મયા અને અરોકિયા રાજીવ પર ટકેલી છે. ભારતીય ટીમ : દુતી ચંદ (૧૦૦ મીટર દોડ) જાબીર એમપી (૪૦૦ મીટર વિઘ્ન દોડ), જોન્સન (૧,૫૦૦ મીટર), અવિનાશ સાબ્લે (૩૦૦૦ મીટર સ્ટિપલચેઝ), કે.ટી ઈરફાન અને દેવેન્દ્ર સિંઘ (૨૦ કિમી રેસ વૉક), ગોપી ટી (મેરાથોન), શ્રીશંકર એમ. (લોંગ જમ્પ), તાજિન્દર પાલ સિંઘ તૂર (ગોળા ફેંક), શિવપાલ સિંઘ (જેવલીન થ્રો), મોહમ્મદ અનસ-નિર્મલ તોમ-એલેક્સ એન્ટોની-અમોજ જેકોબ-કે.એસ.જીવન-ધારુન અય્યાસમ-હર્ષ કુમાર (૪ બાય ૪૦૦ મીટર મેન્સ અને મિક્સ રિલે), પી. યુ. ચિત્રા (૧૫૦૦ મીટર દોડ), અન્નુ રાની (જેવલીન થ્રો),વિસ્મયા એસકે-પૂવામ્મા એમ.આર-જિન્શા મેથ્યૂ-રેવથી વી-સુભાવેંન્કટશન(૪ બાય ૪૦૦ મીટર રિલે અને મિક્સ રિલે), દારુન અય્યાસામી (૪૦૦ મીટર હર્ડર્લ્સ), અંજલી દેવી (૪૦૦ મીટર), અર્ચના સુસીન્દ્રમ (૨૦૦ મીટર).

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN