આજથી બીજી ટેસ્ટ મેચ થશે શરૂ, વરસાદ વિલન બને તેવી સંભાવના

Indian News

Indian News

Author 2019-10-10 11:21:56

img

પ્રથમ ટેસ્ટમાં ૨૦૩ રનથી આસાન વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં જીતના મક્કમ નિર્ધાર સાથે ઉતરશે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતી ભારતીય ટીમ શ્રેણી જીતવા માટે ફેવરિટ છે અને આ સાથે તેઓ ઘરઆંગણાનો દબદબો પણ આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે. જ્યારે પ્રવાસી સાઉથ આફ્રિકા માટે હવે કરો યા મરોનો મુકાબલો છે.

જો શ્રેણીની હારથી બચવું હોય તો સાઉથ આફ્રિકાએ શરૃ થઈ રહેલી ટેસ્ટ જીતવી પડે અથવા તો ટેસ્ટ મેચ ડ્રોમાં ખેંચવી પડે તેમ છે.

હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ સવારે ૯.૩૦ વાગ્યાથી શરૃ થશે. કારકિર્દીમાં પહેલી વખત ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે ઉતરેલા રોહિત શર્માએ કમાલ કરતાં બંને ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. રોહિત આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટમાં પણ શાનદાર બેટીંગ જારી રાખતાં વધુ રેકોર્ડ સર્જશે તેવી આશા ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. ટોપ ઓર્ડરના બંને બેટ્સમેનોએ જોરદાર ફોર્મ દેખાડયું છે અને હવે મીડલ ઓર્ડરના બેટ્સમેનોએ આગવી લય સાથે સ્કોર કરવો પડશે. બંને ટીમો તો ટેસ્ટ મુકાબલા માટે તૈયાર છે, પણ પૂણેનું હવામાન ક્રિકેટરો અને ચાહકો માટે ચિંતાજનક છે. આગામી પાંચ દિવસ પૂણેમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાંય શનિવારે જ્યારે ટેસ્ટનો ત્રીજો દિવસ છે, ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.

લોકેશ રાહુલની ઓપનર તરીકેની નિષ્ફળતા બાદ ભારતે રોહિતને ટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક આપી હતી અને તેણે બંને ઈનિંગમાં સદી ફટકારતાં શાનદાર દેખાવ કર્યો હતો.ઓપનર મયંક અગ્રવાલે પણ કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી ફટકારીને સાઉથ આફ્રિકાના બોલરોને હતાશ કર્યા હતા. પહેલી વખત ઓપનિંગ કરી રહેલી જોડીએ સર્જેલી વિક્રમોની વણઝાર બાદ હવે તેઓ તેમની ભાગીદારીના રેકોર્ડને આગળ ધપાવવા માટે ઉત્સુક છે. રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીને જાણે નવેસરથી શરૃ કરી છે અને હવે તે ટેસ્ટના મહાન બેટ્સમેનોની હરોળમા સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. મયંક અગ્રવાલે પણ ટીમ મેનેજમેન્ટના ભરોસા પર ખરા ઉતરીને બતાવ્યું છે. આવી સ્થિતિમાં ભારતના ઈન ફોર્મ ઓપનિંગ જોડી પાસેથી ક્રિકેટ ચાહકોને વધુ એક યાદગાર ઈનિંગની આશા છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટને મીડલ અને લો ઓર્ડરના બેટ્સમેનો પાસેથી લાંબી ઈનિંગની આશા છે. ચેતેશ્વર પુજારાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ૮૧ રન ફટકાર્યા હતા. આ પછી કોહલી અને રહાણેએ ઝડપથી સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતુ. જોકે, પ્રથમ ઈનિંગમાં ભારતના મીડલ અને લો ઓર્ડરના બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા નહતા. ઓપનર્સ તેમજ રવિન્દ્ર જાડેજાએ લડાયક દેખાવ કર્યો હતો. જોકે કોહલી ૨૦, રહાણે ૧૫, વિહારી ૧૦ અને સાહા ૨૧ રનના સ્કોર પર આઉટ થયા હતા. સાઉથ આફ્રિકાના બોલરો ભારતને ઓલઆઉટ કરી શક્યા નહતા, છતાં ભારતીય બેટ્સમેનોએ ગુમાવેલી વિકેટોથી હરિફોનો ઉત્સાહ ચોક્કસ વધ્યો હશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટે સંકેત આપ્યો છે કે, તેઓ બોલિંગ કોમ્બિનેશનમાં કોઈ પરિવર્તન કરવાના મૂડમાં નથી. લાંબા સમય બાદ પ્લેઈંગ ઈલેવનમાં સમાવાયેલા અશ્વિને પ્રથમ ઈનિંગમાં સાત વિકેટ ઝડપીને ખળભળાટ મચાવ્યો હતો. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં કુશળતા સાબિત કરી હતી. ઈશાંત શર્માની ફિટનેસ અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો. જો તે અનફિટ હશે તો તેના સ્થાને ઉમેશ યાદવને તક મળી શકે છે. આ ઉપરાંત ભારત ત્રીજા સ્પિનરને રમાડવા માટે પણ વિચારી શકે છે. આ માટે વિહારીને બહાર રાખીને તેના સ્થાને કુલદીપને તક આપી શકાય તેમ છે. ભારતીય ટીમ (સંભવિત) : રોહિત, મયંક, પુજારા, કોહલી (કેપ્ટન), રહાણે, વિહારી/કુલદીપ, સાહા (વિ.કી.), અશ્વિન, જાડેજા, ઈશાંત/ઉમેશ, શમી.સાઉથ આફ્રિકી ટીમ (સંભવિત) : માર્કરામ, એલ્ગર, ડી બુ્રયન, બાવુમા, ડુ પ્લેસીસ (કેપ્ટન), ડી કૉક (વિ.કી.), મુથુસામી, ફિલાન્ડર, મહારાજ, રબાડા, એનગિડી.

 • PM મોદીના નવા પ્લેનમાં એડવાન્સ મિસાઇલ સિસ્ટમ, જાણો શું B-777ની ખાસિયત
 • રાજકોટમાં વકરી રહ્યો છે રોગચાળો, 14 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
 • અર્થવ્યવસ્થાને બચાવવા મરણિયું થયું પાકિસ્તાન, ચીની કંપનીઓ માટે ગ્વાદરમાં 23 વર્ષ સુધી ટેક્સમાં છૂટ
 • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પોરબંદર બંધના એલાન
 • ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગની તપાસમાં સામેલ થવા તૈયારી દાખવી
 • READ SOURCE

  Experience triple speed

  Never miss the exciting moment of the game

  DOWNLOAD