એક જ મેચમાં હાઇએસ્ટ સિક્સર, રોહિતે રેકોર્ડની રમઝટ બોલાવી

Indian News

Indian News

Author 2019-10-06 06:25:00

img

। વિશાખાપટ્ટનમ ।

રોહિત શર્મા માટે ટેસ્ટ ઓપનિંગ માટે આનાથી વધારે સારી શરૂઆત કોઈ હોઈ શકે નહીં. ઓપનર તરીકે તેણે પોતાની પ્રથમ ટેસ્ટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. સાઉથ આફ્રિકા સામે રમાતી પ્રથમ ટેસ્ટમાં રોહિતે એક જ મેચમાં હાઇએસ્ટ સિક્સર ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સાથે તેણે એક જ મેચના બંને દાવમાં સદી પણ ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં ૧૭૬ તથા બીજા દાવમાં ૧૨૭ રન બનાવ્યા હતા અને તે બંને વખત સ્ટમ્પ આઉટ થયો હતો. રોહિતે વિશાખાપટ્ટનમ ટેસ્ટના પ્રથમ દાવમાં છ તથા બીજા દાવમાં સાત એમ કુલ ૧૩ સિક્સર ફટકારી હતી. રોહિત પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની વસિમ અકરમના રેકોર્ડને તોડી નાખ્યો હતો. અકરમે ૧૯૯૬ના ઓક્ટોબરમાં અણનમ ૨૫૭ રનની ઇનિંગ્સ રમી હતી જેમાં તેણે ૧૨ સિક્સર ફટકારી હતી.

ભારતીય રેકોર્ડ નવજોત સિદ્ધુના નામે હતો

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રોહિતે જેવી નવમી સિક્સર ફટકારી તેણે ભારતના ભૂતપૂર્વ ઓપનર નવજોત સિદ્ધુના રેકોર્ડને તોડી નાખ્યો હતો. ત્યારબાદ પણ તેણે છગ્ગાવાળી કરી હતી અને બીજા દાવમાં સાત સિક્સર ફટકારી હતી. સિદ્ધુએ ૧૯૯૪માં લખનઉ ખાતે શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટમાં આઠ સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો કારણ કે, ભારતને બીજો દાવ લેવાની જરૂર પણ પડી નહોતી. સિદ્ધુએ ૧૨૪ રનની ઇનિંગ્સમાં ૨૨૩ બોલનો સામનો કરીને નવ બાઉન્ડ્રી તથા આઠ સિક્સર ફટકારી હતી. ભારતે આ ટેસ્ટ એક દાવ અને ૧૧૯ રનથી જીતી હતી.

વન-ડે અને ટ્વેન્ટી૧૦ ફોર્મેટમાં પણ રેકોર્ડ

રોહિત શર્મા ભારત માટે એક જ વન-ડેમાં સર્વાધિક સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૩ની બેંગલોર વન-ડેમાં રમેલી ૨૦૯ રનની ઇનિંગ્સમાં કુલ ૧૬ સિક્સર ફટકારી હતી. રોહિતે ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલની એક જ મેચમાં ભારત માટે સર્વાધિક સિક્સર ફટકારી છે. તેણે ૨૦૧૭ની ૨૨મી ડિસેમ્બરે શ્રીલંકા સામે રમેલી ૧૧૮ રનની ઇનિંગ્સમાં ૧૦ સિક્સર ફટકારી હતી.

બંને દાવમાં સદી, છઠ્ઠો બેટ્સમેન

રોહિત ટેસ્ટ મેચના બંને દાવમાં સદી નોંધાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. વિજય હઝારે પ્રથમ ભારતીય બેટ્સમેન હતા જેમણે ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારી હતી. સુનીલ ગાવસ્કરે ત્રણ, રાહુલ દ્રવિડે બે વખત આ સિદ્ધિ મેળવી હતી. સુકાની વિરાટ કોહલી તથા અજિંક્ય રહાણે પણ ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારી ચૂક્યા છે.

બંને દાવમાં સ્ટમ્પ આઉટ

રોહિત બંને દાવમાં મહારાજની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. એક જ ટેસ્ટના બંને દાવમાં સ્ટમ્પિંગ થનાર રોહિત પ્રથમ ભારતીય તથા વિશ્વનો ઓવરઓલ ૨૨મો ખેલાડી બની ગયો છે. રોહિત અને તેના સાથી ખેલાડી મયંક અગ્રવાલ (૨૧૫ તથા સાત) બંનેએ મળીને મેચમાં કુલ ૫૨૫ રન બનાવ્યા હતા.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN