ગાંગુલીએ પ્રમુખપદ સંભાળ્યું, BCCIમાં નવા યુગનો પ્રારંભ

Sandesh

Sandesh

Author 2019-10-24 06:01:00

img

રોયલ બેંગોલ ટાઇગર તરીકે જાણીતા તથા ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ બુધવારે સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ બોર્ડનું (બીસીસીઆઇ) પ્રમુખપદ સંભાળી લીધું હતું. આ સાથે સુપ્રીમ કોર્ટની નજર હેઠળ બોર્ડનું કામકાજ સંભાળી રહેલી પ્રશાસકોની સમિતિ (CoA)નો કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયો હતો. હવે બોર્ડ સાથે જોડાયેલા તમામ કામ માટે બીસીસીઆઇના પસંદ કરાયેલા નવા પ્રતિનિધિઓ સંભાળશે. ૪૭ વર્ષીય ગાંગુલીના નેતૃત્વવાળી નવી ટીમમાં ઉપપ્રમુખ પદે મહિમ વર્મા, સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર અરુણ ધૂમલ સાથે જયેશ જ્યોર્જ સંયુક્ત સેક્રેટરીનો સમાવેશ થાય છે. બુધવારે બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) દરમિયાન ગાંગુલીએ સત્તાવાર રીતે હોદ્દો સંભાળ્યો હતો. ગાંગુલીને આક્રમક સુકાની માનવામાં આવતો હતો જે પોતાના સાહસિક નિર્ણયો માટે જાણીતો હતો. માનવામાં આવી રહ્યું છે કે કોઇ ભૂતપૂર્વ ક્રિકેટરનું બોર્ડના પ્રમુખ બનવાથી બીસીસીઆઇમાં નવા યુગનો પ્રારંભ થશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. એ. બોબડે તથા જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની બેન્ચે પ્રશાસકોની સમિતિને (સીઓએ) નિર્દેશ આપ્યો હતો કે બુધવારે બીસીસીઆઇના નવનિયુક્ત અધિકારીઓ ચાર્જ સંભાળે તો તે પોતાનું કામકાજ સમેટી લે. સીએજી વિનોદ રાયના નેતૃત્વમાં આ પ્રશાસકોની સમિતિ છેલ્લા ૩૩ મહિનાથી બોર્ડનું કામકાજ સંભાળી રહી હતી. આ ઉપરાંત બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા પહોંચેલા સીઓએના પ્રમુખ વિનોદ રાયે પણ પોતાના કાર્યકાળ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાયે આ બાબત સુપ્રીમ કોર્ટે તેમને સોંપેલી જવાબદારીના સંદર્ભમાં કહી હતી.

આઇપીએલ ૨૦૧૩ દરમિયાન સ્પોટ ફિક્સિંગ તથા સટ્ટાબાજીના આક્ષેપો થયા બાદ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના કામકાજમાં હસ્તક્ષેપ કર્યો હતો. વિશ્વની સૌથી ધનાઢય સંસ્થાના કારભારમાં પારદર્શકતા લાવવા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સહિત ઘણા સુધારા લાવવા માટે સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ની ૨૨મી જાન્યુઆરીએ જસ્ટિસ આર. એમ. લોઢાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૨૦૧૩ની ૧૪મી જુલાઈએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે લોઢા પેનલની ભલામણોને લાગૂ કરવા માટે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની રચના કરી હતી.

બીસીસીઆઇના નવા પ્રમુખ સૌરવ ગાંગુલી બુધવારે પોતાનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વખત મીડિયા સામે હાજર થયો ત્યારે મહેન્દ્રસિંહ ધોની અંગે પણ પ્રશ્નાર્થ થયા હતા. ગાંગુલીએ પોતાના અંદાજમાં તેનો જવાબ આપ્યો હતો. ધોનીને ચેમ્પિયન તરીકે ગણાવીને ગાંગુલીએ ઉમેર્યું હતું કે ચેમ્પિયન ખેલાડી ક્યારેય જલદીથી પોતાની રમત પૂરી કરતા નથી. ધોનીની ચર્ચા દરમિયાન ગાંગુલીએ પોતાના તબક્કાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે મેં લગભગ દોઢ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહ્યા બાદ ક્રિકેટમાં જોરદાર પુનરાગમન કર્યું હતું અને ત્યાર પછી હું સતત બે વર્ષ સુધી સતત ક્રિકેટ રમ્યો હતો. ગાંગુલીએ વિરાટ કોહલીની રમત અંગે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરીને ભારતીય ટીમની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.

ક્રિકેટના મેદાનમાં દાદા તરીકે જાણીતા બનેલા ગાંગુલીએ જણાવ્યું હતું કે હું ધોની સાથે જરૂર ચર્ચા કરીશ. હજુ સુધી મારી તેની સાથે વાતચીત થઈ નથી પરંતુ અમે ધોનીના ભવિષ્ય અંગે વાતચીત કરીશું. તે એક ચેમ્પિયન છે અને ચેમ્પિયન પોતાની રમતને ક્યારેય જલદીથી પૂરી કરતા નથી. નોંધનીય છે કે ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર્યા બાદ ધોની એક પણ મેચ રમ્યો નથી. તે મંગળવારે રાંચી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમે મેળવેલા વિજય બાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં નજરે પડયો હતો.

ભારતીય ટીમના વર્તમાન સુકાની વિરાટ કોહલી અંગે ગાંગુલીએ જણાવ્યું હતું કે તે શાનદાર ક્રિકેટર છે અને ભારતીય ક્રિકેટને ઘણો આગળ લઇ જશે. હું પણ સુકાની રહ્યો છું અને એક સુકાની તરીકેની જવાબદારીને હું સારી રીતે સમજું છું. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં તેના તથા ભારતીય ટીમના પ્રદર્શનને  જુઓ તો કોહલી કમાલનો ક્રિકેટર છે તે સાબિત થઈ જાય છે.

ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઇના ૩૯મા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો છે અને અત્યાર સુધીમાં જેટલા પણ પ્રમુખ બન્યા છે તેમાં તેનું નામ સૌથી મોટું છે. ૪૭ વર્ષીય ગાંગુલીને નવ મહિના માટે સત્તાવાર રીતે બીસીસીઆઇની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહની બોર્ડના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે.

૧-આરઇ ગ્રાન્ટ ગોવન (૧૯૨૮-૩૩)

૨-સર સિકંદર હયાત ખાન (૧૯૩૩-૩૫)

૩-નવાબ હમીદુલ્લાહ ખાન (૧૯૩૫-૩૭)

૪-મહારાજા કે. એસ. દિગ્વિજયસિંહજી (૧૯૩૭-૩૮)

૫-પી. સુબ્રરાયન (૧૯૩૮-૪૬)

૬-એન્થોની એસ ડિમેલો (૧૯૪૬-૫૧)

૭-જે. સી. મુખરજી (૧૯૫૧-૫૮)

૮-વિજયનગ્રામ કે. મહારાજકુમાર (૧૯૫૪-૫૬)

૯-સરદાર એસએસ મજીઠિયા (૧૯૫૬-૫૮)

૧૦-આર. કે. પટેલ (૧૯૫૮-૬૦)

૧૧-એમ. એ. ચિદમ્બરમ (૧૯૬૦-૬૩)

૧૨-મહારાજા એફ. ગાયકવાડ (૧૯૬૩-૬૬)

૧૩-ઝેડ આર. ઇરાની (૧૯૬૬-૬૯)

૧૪-એ. એન. ઘોષ (૧૯૬૯-૭૨)

૧૫-પી. એમ. રૃંગટા (૧૯૭૨-૭૫)

૧૬-રામપ્રકાશ મેહરા (૧૯૭૫-૭૭)

૧૭-એમ. ચિન્નાસ્વામી (૧૯૭૭-૮૦)

૧૮-એસ. કે. વાનખેડે (૧૯૮૦-૮૨)

૧૯-એનકેપી સાલ્વે (૧૯૮૨-૮૫)

૨૦-એસ.શ્રીરામન (૧૯૮૫-૮૮)

૨૧-બી. એન. દત્ત (૧૯૮૮-૯૦)

૨૨-માધવરાવ સિંધિયા (૧૯૯૦-૯૩)

૨૩-આઇ. એસ. બિન્દ્રા (૧૯૯૩-૯૬)

૨૪-રાજસિંહ ડુંગરપુર (૧૯૯૬-૯૯)

૨૫-એ. સી. મુથૈયા (૧૯૯૯-૦૧)

૨૬-જગમોહન દાલમિયા (૨૦૦૧-૦૪)

૨૭-રણબીરસિંહ મહેન્દ્ર (૨૦૦૪-૦૫)

૨૮-શરદ પવાર (૨૦૦૫-૦૮)

૨૯-શશાંક મનોહર (૨૦૦૮-૧૧)

૩૦-એન. શ્રીનિવાસન (૨૦૧૧-૧૩)

૩૧-જગમોહન દાલમિયા (ઇન્ટ્રીમ, ૨૦૧૪-૧૪)

૩૨-એન. શ્રીનિવાસન (૨૦૧૩-૧૪)

૩૩-શિવલાલ યાદવ (ઇન્ટ્રીમ, ૨૦૧૪-૧૪)

૩૪-સુનિલ ગાવસ્કર (આઇપીએલ ઇન્ટ્રીમ, ૨૦૧૪-૧૪)

૩૫-જગમોહન દાલમિયા (કાર્યાલયમાં નિધન, ૨૦૧૫-૧૫)

૩૬-શશાંક મનોહર (રાજીનામું, ૨૦૧૫-૧૬)

૩૭-અનુરાગ ઠાકુર (બરતરફ, ૨૦૧૬-૧૭)

૩૮-સી. કે. ખન્ના (ઇન્ટ્રીમ, ૨૦૧૭-૧૯)

૩૯-સૌરવ ગાંગુલી (૨૦૧૯-વર્તમાન)

સૌરવ ગાંગુલી ભલે બીસીસીઆઇમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે સ્થાપિત થયો હોય પરંતુ તેને આજે પણ કેપ્ટનશિપના પોતાના જૂના દિવસો સાથે ઘણો લગાવ છે. મુંબઇમાં બીસીસીઆઇના મુખ્ય મથકે બોર્ડની એજીએમમાં પહોંચેલા ગાંગુલીએ પચારિક રીતે પ્રમુખપદને સંભાળ્યું હતું. આ પ્રસંગે ગાંગુલીએ જે બ્લેઝર પહેર્યો હતો તે અત્યંત વિશેષ છે. ગાંગુલીએ બુધવારે જે બ્લેઝર પહેર્યો હતો તે તેને ભારતીય ટીમનો સુકાની બનાવવામાં આવ્યો હતો ત્યારે બોર્ડ તરફથી આપવામાં આવ્યો હતો. ગાંગુલીએ પોતાના બ્લેઝર અંગે થયેલા પ્રશ્નના સંદર્ભમાં જણાવ્યું હતું કે જ્યારે હું ભારતીય ટીમનો સુકાની બન્યો ત્યારે મને આ બ્લેઝર આપવામાં આવ્યો હતો. તેથી આ વિશેષ પ્રસંગે મેં તેને પહેરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવા કરતાં કશું વિશેષ નથી. નેશનલ ટીમનું નેતૃત્વ કરવું તે તમારા જીવનની સૌથી ગૌરવવંતી પળો હોય છે. ક્રિકેટને અલવિદા કર્યા બાદ ગાંગુલીએ કદાચ જ આ બ્લેઝર પહેર્યો છે, પરંતુ જ્યારે તેને બોર્ડનું સુકાન સોંપવામાં આવ્યું છે તો તેણે બ્લેઝર પહેરવાનું યોગ્ય સમજ્યું હતું અને આ બ્લેઝર માટે ગાંગુલીને હંમેશાં ગૌરવ રહેશે.

આઇસીસીમાં બીસીસીઆઇના પ્રભાવ ઘટયો છે અને આઇસીસીના નવા કાર્યસમૂહમાં બોર્ડનો કોઇ પ્રતિનિધિ નથી. બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસનના વિશ્વાસપાત્ર સુંદર રમણ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘બિગ થ્રી મોડેલ’ (ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત) મુજબ બીસીસીઆઇને આઇસીસીની આવકમાંથી ૫૭ કરોડ રૂપિયા મળવાના હતા પરંતુ ૨૦૧૬થી ૨૦૨૩ના સત્ર સુધી માત્ર ૨૯ કરોડ ૩૦ લાખ ડોલરથી જ સંતોષ માનવો પડયો હતો. ગાંગુલીએ બોર્ડના પ્રતિનિધિ તકરીકે આઇસીસી સાથે વાટાઘાટ કરવી પડશે.

ગાંગુલીને બીસીસીઆઇના કાનૂની અને નાણાકીય સમિતિ તરફથી સંપૂર્ણ સહકાર જોઇશે કારણ કે આઇસીસી ભારતમાં તમામ ટૂર્નામેન્ટને ટેક્સ મુક્ત બનાવવા માગે છે. મનોહરે ચેતવણી આપી છે કે ટેક્સનો સંપૂર્ણ બોજો બીસીસીઆઇની વાર્ષિક આવક ઉપર પડશે. એક ઉકેલ એવો છે કે આઇસીસીના પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સને ટેક્સ ચૂકવવા કહેવામાં આવી શકે છે કારણ કે તે ભારતમાં છે અને તેને પ્રોડક્શનના કોઇ સામાન આયાત કરવા પડશે નહીં.

ભારતીય ક્રિકેટના વર્ષો જૂના આ મામલાને ગાંગુલીએ પ્રાધાન્ય આપ્યું છે. હાલમાં પ્રથમ કક્ષાના ક્રિકેટરોને પ્રત્યેક મેચના એક લાખ ૪૦ હજાર રૂપિયા મળે છે. વર્ષના અંતે બોર્ડ પોતાની આવકના નફામાંથી ૧૩ ટકા ખેલાડીઓને આપે છે. એક સિઝનમાં સ્થાનિક ક્રિકેટરને ૨૫ લાખ રૂપિયા મળે છે જે માટે તેણે ચાર દિવસીય, વન-ડે તથા ટી૨૦ મેચો રમવી પડે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટરોની કમાણી ઘણી વધારે છે. તેમને એક ટેસ્ટના ૧૫ લાખ, વન-ડેના આઠ લાખ તથા ટી૨૦ના ચાર લાખ રૂપિયા મળે છે.

દેવધર ટ્રોફી, રણજી ટ્રોફીનું માળખું તથા અમ્પાયરિંગનું સ્તર. ટૂર્નામેન્ટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે અને પ્રથમ કક્ષાની મેચો માટે વધારે સારી પિચો તૈયાર કરવામાં આવશે.

ગાંગુલી પોતે આ મુદ્દાનો ભોગ બન્યો છે અને સાથી ખેલાડીઓ સચિન તેંડુલકર તથા વીવીએસ લક્ષ્મણને પણ આ વિવાદનો સામનો કરતા જોયા છે. આ નિયમ મુજબ એક વ્યક્તિ એક જ હોદ્દો સંભાળી શકે છે અને આના કારણે ક્રિકેટ સલાહકાર સમિતિ અને નેશનલ પસંદગી સમિતિમાં સારો ક્રિકેટરોને લાવવાના વિકલ્પો ઘણા ઓછા થઇ જશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD