ઘાયલ થયો રોહિત શર્મા, છતાં બાંગ્લાદેશ સામે રમશે ટી-20
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની થનાર ત્રણ મેચોની ટી-20 સીરીઝની શરૂઆત રવિવારથી થઈ રહી છે. પહેલી મેચ રવિવારે દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે. મેચના એક દિવસ અગાઉ રોહિત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા છે. રોહિત બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક ઝડપી બોલ તેમના પેટમાં આવીને લાગ્યો ત્યાર બાદ તેમને થોડો દુઃખાવો શરૂ થયો.

હકીકતમાં, રોહિત બેટીંગ કોચ વિક્રમ રાઠોર અને શ્રીલંકાના નુવાન સેનેવિરત્ને સાથે અભ્યાસ કરી રહ્યા હતા કે અચાનક એક બોલ તેમના પેટના જમણા ભાગ પર વાગ્યો.

ટીમ ઇન્ડીયામાં પહેલાં જ વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત પાર્ટ ટાઈમ કપ્તાન છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે. બીસીસીઆઈના મીડિયા મેનેજરે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, 'આજે નેટમાં બેટિંગ કરતી વખતે રોહિત શર્માના પેટની ડાબી બાજુ ઈજા થઈ હતી.

બીસીસીઆઈની મેડિકલ ટીમે પુષ્ટિ કરી છે કે તે પ્રથમ ટી -20 માટે યોગ્ય છે.' સામાન્ય રીતે, બેટ્સમેનો નેટમાં બોલરોનો સામનો કરતા પહેલા થોડી લય મેળવવા માટે થ્રો ડાઉન આપે છે. મોટાભાગના ભારતીય મેદાન પર પ્રેક્ટિસ પિચ સારી ગુણવત્તાની ન હોવાથી, ખેલાડીઓ નેટ સેશન દરમિયાન સાવધ રહેવાની ઇચ્છા રાખે છે. એક વાર ઈજા થયા બાદ રોહિત ફરી નેટ પ્રેક્ટિસ કરવા નહોતા આવ્યા.