ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની ખુરશી જોખમમાં?

Indian News

Indian News

Author 2019-09-30 06:22:00

img

। નવી દિલ્હી ।

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગીના મુદ્દે હવે તપાસ થઈ શકે છે અને જો તપાસમાં હિતોના ટકરાવનો મુદ્દો સાબિત થાય તો ફરીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ફરીથી ટીમના કોચની નિમણૂક કરી શકે છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડી. કે. જૈને શનિવારે કપિલ દેવના વડપણ હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ(સીએસી)ને હિતોના ટકરાવના સંબંધમાં નોટિસ મોકલી છે.

સીએસીમાં ૧૯૮૩ના વર્લ્ડ કપ ચેમ્પિયન સુકાની કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ સામેલ છે. આ સમિતિએ રવિ શાસ્ત્રીને તાજેતરમાં મુખ્ય કોચ નિયુક્ત કર્યો હતો. ૨૦૨૧ સુધી તેનો કાર્યકાળ પણ વધાર્યો હતો. હવે સીએસી સામે હિતોના ટકરાવનો આરોપ લાગ્યો છે અને ૧૦ ઓક્ટોબર સુધીમાં તેણે જવાબ આપવાનો રહેશે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે જો ડી. કે. જૈનને લાગે કે આરોપ બરાબર છે તો રવિ શાસ્ત્રીને ફરીથી અનાવશ્યક રૂપે નિયુક્તિની પ્રક્રિયાથી પસાર થવું પડશે. હવે ફરીથી એક નવી સમિતિનું ગઠન થશે અને કોચની નિયુક્તિની ફરીથી પ્રક્રિયા કરવામાં આવશે. બીસીસીઆઈના નવા બંધારણ મુજબ તમામ ચીજો ફરીથી કરવી પડશે.

શા માટે વિવાદ?

મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડના વિરોધમાં અરજી કરી છે. આ સમિતિએ રવિ શાસ્ત્રીને ઓગસ્ટમાં મુખ્ય કોચ નિયુક્ત કર્યો હતો. ગુપ્તાએ કહ્યું છે કે બીસીસીઆઈના બંધારણ અનુસાર સીએસીનો કોઈ પણ સભ્ય ક્રિકેટમાં અન્ય કોઈ ભૂમિકા નિભાવી શકે નહીં. સીએસીના સભ્યો એક સાથે અનેક ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સુકાની કપિલ દેવ સીએસીના મેમ્બર ઉપરાંત કોમેન્ટ્રી આપે છે, એક ફ્લડલાઇટ કંપનીનો માલિક છે અને ભારતીય ક્રિકેટર્સ ક્લબનો પણ મેમ્બર છે. અંશુમન ગાયકવાડ પણ એક એકેડેમીનો માલિક છે અને બીસીસીઆઈ માન્યતાપ્રાપ્ત સમિતિનો સભ્ય પણ છે. મહિલા ક્રિકેટ ટીમની સુકાની રહેલી શાંતા રંગાસ્વામી સીએસી ઉપરાંત આઈસીએમાં પણ મેમ્બર છે.

સીઓએ વિનોદ રાયનેે હિતોનો ટકરાવ દેખાતો નથી

પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે રવિવારે કહ્યું હતું કે કપિલ દેવના અધ્યક્ષ પદ હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિમાં મને હિતોનો કોઈ ટકરાવ નજરે પડતો નથી. સીએસી એડ હોક સમિતિ છે અને એનું ગઠન પુરુષ ટીમના મુખ્ય કોચની નિયુક્તિ માટે કરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદે રવિ શાસ્ત્રીની નિમણૂક કરવામાં આવ્યા બાદ એડહોક સમિતિનું અસ્તિત્વ રહ્યું નથી. જોકે આ સંદર્ભમાં ડી. કે. જૈને આપેલા આદેશના વિશે પૂછવામાં આવતાં વિનોદ રાયે ટિપ્પણી આપવાનો ઈનકાર કરી દીધો હતો.

ભૂતપૂર્વ કેગ વિનોદ રાયે કહ્યું હતું કે એથિક્સ ઓફિસરનું પદ ક્વાસી જુડિશિયલ છે. હું એ અંદાજ લગાવી શકતો નથી કે તેઓ શું આદેશ આપશે અને એનો અંદાજ પણ હું નહીં લગાવું. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે સીઓએના રૂપમાં અમે કદી એવું મહેસૂસ કર્યું નથી કે કપિલ દેવ, શાંતા રંગાસ્વામી કે અંશુમાન ગાયકવાડનાં હિતોનો ટકરાવ હતો.

હવે જોવાનું એ રહે છે કે જે એડ હોક સમિતિ પર સવાલ ઉઠાવવામાં આવે છે એનું અસ્તિત્વ નથી તો શું કપિલ દેવ અને અંશુમન ગાયકવાડ આ નોટિસનો જવાબ આપશે કે પછી સુનાવણી માટે ડી. કે. જૈન સમક્ષ ઉપસ્થિત રહેશે?

શાંતા રંગાસ્વામીએ સીએસી અને આઇસીએમાંથી રાજીનામું આપ્યું

CBIના એથિક્સ ઓફિસર ડી. કે. જૈન દ્વારા હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ શાંતા રંગાસ્વામીએ ક્રિકેટ સલાહકાર સમિતિ અને ક્રિકેટર્સ સંઘમાં ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે રંગાસ્વામીએ કહ્યું હતું કે મારી પાસે બીજી યોજનાઓ છે અને તેથી એમાં આગળ વધવાનો મેં નિર્ણય લીધો છે. CACની બેઠક વર્ષમાં એકવાર કે બે વર્ષમાં એક વાર થાય છે. આથી મને હિતોના ટકરાવની વાત સમજમાં આવતી નથી. હાલની પરિસ્થિતિમાં મને લાગે છે કે ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પ્રશાસકીય ભૂમિકા માટે યોગ્ય ભૂતપૂર્વ ક્રિકેટર શોધવો મુશ્કેલ છે. ICAમાંથી તો હું ચૂંટણી પહેલાં રાજીનામું આપી દેત. રંગાસ્વામીએ રવિવારે સવારે તેમનું રાજીનામું પ્રશાસકોની સમિતિને અને BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને ઈમેલ કરી દીધું હતું.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN