ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, સાઉથ આફ્રિકાને ૨૦૩ રને હરાવ્યું

Indian News

Indian News

Author 2019-10-07 05:52:00

img

। વિશાખાપટ્ટનમ ।

દેશમાં નવરાત્રિની સાથે દુર્ગાપૂજાની ધૂમ છે ત્યારે ટીમ ઇન્ડિયાએ મહાજીત મેળવી છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને ૨૦૩ રને હરાવીને ૧-૦થી લીડ મેળવી છે. જીતવા માટે ૩૯૫ રનના લક્ષ્‍યાંક સાથે રમવા ઊતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ૧૯૧ રનમાં આઉટ થઈ હતી. ભારત વતી મોહમ્મદ શમીએ ૩૫ રન આપીને ૫, રવીન્દ્ર જાડેજાએ ૮૭ રન આપીને ૪ અને આર. અશ્વિને ૪૪ રન આપીને એક વિકેટ મેળવી હતી. મોહમ્મદ શમીએ કેરિયરમાં ચોથી વખત ટેસ્ટ મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટો મેળવી છે. સ્પિનરો બોલને ઝડપથી ટર્ન કરાવવામાં અને ફાસ્ટ બોલરોને અસમાન ઉછાળનો લાભ મળ્યો હતો. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સતત ત્રણ જીત સાથે ૧૬૦ પોઇન્ટ મેળવી લીધા છે.

સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા છેલ્લે ઘર આંગણે ૨૦૧૦માં પરાજિત થઈ હતી અને એ પછી આ બે દેશ વચ્ચે ૬ ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે પાંચમાં જીત મેળવી છે અને એક ટેસ્ટ મેચ ડ્રો થઈ છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ હવે ૧૦ ઓક્ટોબરે પુણેમાં શરૂ થશે. પહેલી અને બીજી ઇનિંગમાં સદી ફટકારનારા અને આ ટેસ્ટથી ઓપનિંગ કરનારા રોહિત શર્માને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો છે. આ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં ભારતે ૭ વિકેટે ૫૦૨ રને દાવ ડિક્લેર કર્યો હતો. સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગમાં ૪૩૧ રને ઓલ આઉટ થઈ હતી. ભારતને ૭૧ રનની લીડ મળી હતી અને બીજા દાવમાં ૪ વિકેટે ૩૨૩ રન બનાવીને દાવ ડિક્લેર કરીને જીત માટે ૩૯૫ રનનું લક્ષ્‍ય મૂક્યું હતું. એના જવાબમાં સાઉથ આફ્રિકા ૧૯૧ રનમાં ઓલ આઉટ થઈ હતી.

મેચના પાંચમા દિવસે જીત મેળવવા માટે ભારતને ૯ વિકેટની જરૂર હતી. શાનદાર રીધમ સાથે રમવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ પહેલા બે સત્રમાં જ જીત પોતાના નામે કરી દીધી હતી. પાંચમા દિવસે અશ્વિને થેયુનિસ ડે બ્રૂયનને આઉટ કરી દીધો હતો. ત્યાર પછી મોહમ્મદ શમીએ એક પછી એક ચાર બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. પહેલા સત્રમાં મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાએ ઘાતક સ્પેલમાં સાઉથ આફ્રિકાના એક પછી એક એમ ૭ ખેલાડીઓને આઉટ કરી દીધા હતા. જોકે છેલ્લી બે વિકેટ લેવા માટે ૨૨ ઓવર લાગી હતી. સાઉથ આફ્રિકાએ ૬૦ રનમાં પાંચ વિકેટ અને ૭૦ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. એ સમયે લાગતું હતું કે ભારતને ૩૦૦ રનથી મેચ જીતવાનો ચાન્સ છે પણ ૧૦મા નંબરે રમવા આવેલા ડેન પીટે ૧૦૭ બોલનો સામનો કરીને બનાવેલા ૫૬ રન અને ૭મા ક્રમાંકે રમવા ઊતરેલા સેનુરાન મુથુસ્વામીએ ૧૦૮ બોલમાં કરેલા અણનમ ૪૯ રનની મદદથી ૯મી વિકેટ માટે ૯૧ રનની પાર્ટનરશિપ કરી હતી. એના કારણે ભારતની જીતમાં રનનું માર્જિન ઘટયું હતું અને જીત માટે થોડો વિલંબ થયો હતો.

મુથુસ્વામી અને ડેન પીટની જોડી તોડવા રોહિતને પણ અજમાવ્યો

મુથુસ્વામી અને ડેન પીટને આઉટ કરવા માટે વિરાટ કોહલીએ તમામ દાવપેચ અજમાવ્યા હતા. તેણે રોહિત શર્માને પણ બોલિંગ આપી હતી. છેવટે મોહમ્મદ શમીએ પીટને બોલ્ડ કરીને આ જોડીને તોડી હતી. ચોથા દાવમાં ૮ કે એથી નીચેના ક્રમ પર બેટિંગ કરવા આવેલા બેટ્સમેને બનાવેલો આ સૌથી વધારે સ્કોર છે. આ પહેલાં ૨૦૦૩માં અમદાવાદમાં ન્યૂઝીલેન્ડના નાથન એસ્ટલેએ ૮મા ક્રમાંકે આવીને અણનમ ૫૧ રન બનાવ્યા હતા, પણ ડેન પીટે ૫૬ રન બનાવ્યા હતા.

કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં મળી ૨૯મી જીત

વિરાટ કોહલીએ સુકાની તરીકે ૪૯ ટેસ્ટ મેચોમાં ૨૯મી જીત મેળવી છે અને સાઉથ આફ્રિકા સામે પાંચમી જીત મેળવી છે. આમ સુકાની તરીકે ૪૯ ટેસ્ટમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારો એ ત્રીજો સુકાની બન્યો છે અને તે હવે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ સુકાની વિવિયન રિચર્ડ્સ, મહેન્દ્રસિંહ ધોની અને માઇકલ વોન કરતાં આગળ છે. સૌથી વધારે ટેસ્ટ જીતવામાં વિરાટ હવે સ્ટીવ વો અને રિકી પોન્ટિંગ પછી ત્રીજા સ્થાને છે. સ્ટીવ વો, બિલ વુડફુલ અને પીટર મેએ સાઉથ આફ્રિકા સામે પાંચ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. હવે આવું પરાક્રમ કરનારો વિરાટ કોહલી ચોથો સુકાની બન્યો છે. તે પહેલો એશિયન કેપ્ટન છે જેણે આ પરાક્રમ કર્યું છે. સાઉથ આફ્રિકા સામે સૌથી વધારે ટેસ્ટ જીતનારો કેપ્ટન રિકી પોન્ટિંગ છે જેણે ૮ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.

ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધારે જીત (૪૯ ટેસ્ટ)

ક્રમ ખેલાડીનું નામ ટેસ્ટ મેચ

૧. સ્ટીવ વો ૩૬

૨. રિકી પોન્ટિંગ ૩૪

૩. વિરાટ કોહલી ૨૯

૪. વિવિયન રિચર્ડ્સ ૨૭

૫. માઇકલ વોન ૨૬

૬. મહેન્દ્રસિંહ ધોની ૨૬

જીતના હીરો બેટ્સમેન, પણ બોલરોનું યોગદાન પણ ઓછું નથી : વિરાટ

મેચ બાદ પ્રેઝન્ટેશન વખતે સુકાની વિરાટ કોહલીએ કહ્યું હતું કે જીતના હીરો બેટ્સમેન છે પણ બોલરોનું યોગદાન ઓછું નથી. તેણે મયંક અગરવાલ અને રોહિત શર્માની પ્રશંસા કરી હતી. શમીએ પણ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને જીતને આસાન બનાવી હતી. SG બોલ વિશે બોલતાં તેણે કહ્યું હતું કે હું ઇચ્છું છું કે આ બોલ થોડો વધારે હાર્ડ હોય તો ૬૦ ઓવર સુધી બેટ્સમેનોને પરેશાન કરી શકે.

ભારતમાં ૩૫૦થી વધારે લક્ષ્‍ય આસાન નથી : ફાફ ડુ પ્લેસિસ

ભારત સામે ૨૦૩ રનથી પરાજય બાદ સાઉથ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે કહ્યું હતું કે ભારતમાં બીજી ઇનિંગમાં ૩૫૦થી વધારે રનનું લક્ષ્‍યાંક આસાન નથી હોતું. આટલા બધા રન બનાવવા મુશ્કેલ હોય છે. જોકે અમે સારું પ્રદર્શન કર્યું છે. જોકે ભારત વતી રોહિત અને મયંક અગરવાલે સારી બેટિંગ કરી હતી. અમે પહેલી ઇનિંગમાં વળતો જવાબ આપ્યો હતો પણ રોહિત અને ચેતેશ્વર પૂજારાની બેટિંગે મેચ ભારતના પક્ષમાં કરી દીધી હતી. શમીએ પણ સારી બોલિંગ કરી અને તેથી અમે વાપસી કરી શક્યા નહીં. અમે હવે બીજી ટેસ્ટની તૈયારીમાં લાગી જઈશું.

રવિચંદ્રન અશ્વિનની ૩૫૦ વિકેટ, મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી

ટેસ્ટ મેચના પાંચમા દિવસે અશ્વિને થેયુનિસ ડે બ્રૂયનને આઉટ કરી દઈને ટેસ્ટ મેચમાં ઝડપી ૩૫૦ વિકેટ લેવાના શ્રીલંકાના સ્પિન બોલર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. અશ્વિને પહેલી ઇનિગમાં ૧૪૫ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. મુરલીધરને ૬૬ ટેસ્ટમાં ૩૫૦ વિકેટ લીધી હતી અને એ પરાક્રમ અશ્વિને પણ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટ લેનારો મુથૈયા મુરલીધરન વિશ્વનો એક માત્ર બોલર છે. અશ્વિને ૬૬મી ટેસ્ટમાં ૩૫૦ વિકેટ લીધી છે અને એના માટે મુરલીધરન કરતાં ૧૮ ઇનિંગ વધારે લીધી છે પણ તેણે ૩,૦૦૦ બોલ ઓછા ફેંક્યા છે. અશ્વિને ડેબ્યૂના ૭ વર્ષ ૩૩૨ દિવસ બાદ ૩૫૦ વિકેટ લીધી છે.

અનિલ કુંબલેનો પણ રેકોર્ડ તોડયો

આ પહેલાં ભારતમાં સૌથી ઝડપી ૩૫૦ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે હતો. કુંબલેએ ૨૦૦૩માં ૮ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરિયરની ૭૭મી ટેસ્ટ મેચમાં અમદાવાદમાં ૩૫૦ વિકેટ પૂરી કરી હતી. હરભજનસિંહે ૮૩મી અને કપિલ દેવે ૧૦૦મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ મેચમાં ૩૫૦થી વધારે વિકેટ લેનારો અશ્વિન ભારતનો ચોથો બોલર છે. ભારત વતી સૌથી વધારે ૬૧૯ વિકેટ અનિલ કુંબલેએ મેળવી છે. એ પછી કપિલ દેવે ૪૩૪ અને હરભજનસિંહે ૪૧૭ વિકેટ ઝડપી છે. અશ્વિને ૨૭ વાર ટેસ્ટ મેચમાં પાંચ કે તેથી વધારે વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી અને સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને ૬૯ ટેસ્ટ મેચ, ડેનિસ લીલીએ ૭૦ ટેસ્ટ અને ગ્લેન મેકગ્રાએ ૭૪મી ટેસ્ટ મેચમાં ૩૫૦ વિકેટ પૂરી હતી હતી.

શમીએ રિવર્સ સ્વિંગનો ઉપયોગ કરીને ૪ બેટ્સમેનોને બોલ્ડ કર્યા

મોહમ્મદ શમીએ રિવર્સ સ્વિંગનો ખતરનાક રીતે ઉપયોગ કરીને ૪ બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા અને તેનો પાંચમો શિકાર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું હતું કે શમી જૂના બોલ અને જૂની પિચ પર આ રીતે વિકેટ લેવા માટે એક્સપર્ટ થઈ ગયો છે. શમી રિવર્સ સ્વિંગની કળાનો જાણકાર છે. જૂના બોલનો ઉપયોગ કરવાનું તે જાણે છે. શમીએ ૨૦૧૮ બાદ ત્રીજી વાર મેચની છેલ્લી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. છેલ્લી ૧૫ ઇનિંગમાં તેણે ૪૦ વિકેટ ઝડપી છે. ચોથી ઇનિંગમાં છેલ્લે ૧૯૯૬માં અમદાવાદમાં જવાગલ શ્રીનાથે સાઉથ આફ્રિકા સામે ૨૧ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. હવે ૨૩ વર્ષ બાદ આ પરાક્રમ શમીએ કર્યું છે.

૧૬૦ પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ભારત પહેલા ક્રમાંકે

સાઉથ આફ્રિકાને ૨૦૩ રને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમામ ત્રણ ટેસ્ટ જીતનારી ટીમ ઈન્ડિયા પહેલી ટીમ બની છે. અને તેથી પોઇન્ટ્સ ટેબલમાં તેનું પહેલું સ્થાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારતે બે ટેસ્ટ મેચમાં વિજય મેળવીને ૧૨૦ પોઇન્ટ મેળવ્યા હતા અને રવિવારે સાઉથ આફ્રિકાને હરાવીને ૪૦ પોઇન્ટ મળ્યા છે. આમ ભારત પાસે હવે ૧૬૦ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના ૬૦ પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ૫૬ પોઇન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાને જીત મળી ન હોવાથી એમના શૂન્ય પોઇન્ટ છે. આ ચેમ્પિયનશિપમાં હજી સુધી પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક પણ ટેસ્ટ રમ્યાં નથી.

સાવધાની સાથે આક્રમક રમવું એ મારો સ્વભાવ છે : રોહિત શર્મા

ટેસ્ટ કરિયરમાં પહેલીવાર ઓપનિંગમાં ઊતરેલા રોહિત શર્માએ બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી અને તેણે કહ્યું હતું કે સાવધાન રહીને આક્રમક રમવું એ મારો સ્વાભાવિક ખેલ છે. બે વર્ષ પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે મને કોઈક દિવસે ઓપિનંગ કરવાનો મોકો મળશે. એથી નેટ્સમાં હું બે વર્ષથી નવા લાલ બોલથી રમવાની પ્રેક્ટિસ કરતો હતો. બેટિંગમાં ઉપરનો ક્રમ મળે એ મારા માટે શાનદાર અવસર હતો. આ માટે હું ટીમ મેનેજમેન્ટનો આભારી છું. કયા રંગનો બોલ છે એ જરૂરી નથી. લાલ હોય કે સફેદ બોલ, પહેલાં સાવધાનીથી રમવાની જરૂર છે. તમારે તમારા બેઝિક્સ પર ધ્યાન આપવાનું રહે છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN