ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાંથી સુપરસ્ટાર ઓપનર

Indian News

Indian News

Author 2019-10-08 06:35:20

img

અમદાવાદ,તા.7 ઓક્ટોબર 2019, સોમવાર

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ સાથે જ રોહિત શર્માએ ઓપનર તરીકેની પોતાની નવી 'ઇનિંગ્સ'નો પણ ધમાકેદાર પ્રારંભ કર્યો છે. રોહિત શર્મા અત્યારસુધી મિડલ ઓર્ડરમાં ૪૭ ઇનિંગ્સમાં ૩૩.૭૨ની એવરેજથી ૧૫૮૫ જ્યારે હવે ઓપરન તરીકે ૧૫૧.૫૦ની એવરેજથી બે ઇનિંગ્સમાં ૩૦૩ રન નોંધાવી ચૂક્યો છે. રોહિત શર્મા ટેસ્ટ ઓપનર તરીકેનું શાનદાર પ્રદર્શન જાળવવામાં સફળ રહેશે કે કેમ તે તે આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા અગાઉ ચુનંદા એવા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ મિડલ ઓર્ડરમાં કર્યો હતો પરંતુ હવે તેમને આજે પણ સફળ ટેસ્ટ ઓપનર તરીકે યાદ રાખવામાં આવે છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન હોવા છતાં સફળ ટેસ્ટ ઓપનર બનેલા કેટલાક બેટ્સમેન આ મુજબ છે.

વીરેન્દ્ર સેહવાગ

અનેક ઓપનર અજમાવવા છતાં નિષ્ફળતા મળ્યા બાદ તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ વીરેન્દ્ર સેહવાગને ટેસ્ટ ઓપનર તરીકે ઉતારીને આશ્ચર્યચકીત કરી દીધા હતા. સેહવાગ ત્યારે માત્ર પાંચ ટેસ્ટનો અનુભવ ધરાવતો હતો અને તેણે અગાઉ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઓપનિંગ કર્યું નહોતું. જુલાઇ ૨૦૦૨માં ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટ સાથે સેહવાગ પ્રથમવાર ઓપનિંગમાં આવ્યો હતો અને જેમાં તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૯૬ બોલમાં ૮૪ રન ફટકારી દીધા હતા. આ પછી નોટ્ટિંગહામ ખાતે ઓપનર તરીકેની બીજી ટેસ્ટ મેચમાં જ ૧૦૬ રન ફટકાર્યા હતા. સેહવાગે ઓપનર તરીકે બે ત્રેવડી સદી, ત્રણ બેવડી સદી ફટકારી હતી.

સાયમન કેટિચ

ઓસ્ટ્રેલિયાના સાયમન કેટિચ ૨૦૦૧માં હેડિંગ્લે ટેસ્ટ સાથે ડેબ્યુ કર્યું હતું અને જેમાં તે મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે આવ્યો હતો. નબળા ફોર્મને કારણે ૨૦૦૫માં તેને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકાયો હતો. આ પછી તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રભાવશાળી દેખાવ સાથે ૨૦૦૭ના વેસ્ટ ઇન્ડીઝપ્રવાસની ટીમમા પુનરાગમન કર્યું હતું. કેટિચે ઓપનિંગમાં ૬૧ ઇનિંગ્સમાં ૫૦.૪૭ની એવરેજથી ૨૯૨૮ રન નોંધાવ્યા હતા. ૨૦૦૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૫૭ રનની ઇનિંગ્સ સાથે કેટિચે 'કેરિડ ધ બેટ'ની સિદ્ધિ મેળવી હતી.

રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીએ ૧૯૮૧માં વેલિંગ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમીને ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. કારકિર્દીની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં શાસ્ત્રી ૧૦મા ક્રમે બેટિંગમાં આવ્યા હતા. શાસ્ત્રીએ મિડલ ઓર્ડર કે લોઅર ઓર્ડરમાં કોઇપણ ક્રમે બેટિંગ કરવાની આવે ત્યારે તેમાં પ્રભાવશાળી દેખાવ કરવાની તક ગુમાવી નહીં. ૧૯૮૨માં ઇંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર સાથે રવિ શાસ્ત્રીને પ્રથમવાર ઓપનિંગમાં તક અપાઇ હતી. ઓપનર શાસ્ત્રી પ્રથમ ત્રણમાંથી બે ઇનિંગ્સમાં શૂન્યમાં આઉટ થયા હતા. સિડની ટેસ્ટમાં કારકિર્દીનો સર્વોચ્ચ ૨૦૬નો સ્કોર ઓપનિંગમાં આવીને કર્યો હતો.

વિલ્ફ્રેડ રોડ્ઝ

ટેસ્ટ ક્રિકેટમાં મિડલ ઓર્ડરમાંથી સફળ ઓપનર બનેલા સૌપ્રથમ બેટ્સમેન વિલ્ફ્રેડ રોડ્ઝ કહી શકાય. ઇંગ્લેન્ડના વિલ્ફ્રેડ રોડ્ઝને ટીમમાં ડાબોડી સ્પિનર હોવાને નાતે સમાવાયા હતા અને ૧૮૮૯માં ઓસ્ટ્રેલિયા સામેની ડેબ્યુ ટેસ્ટમાં તેમણે ૧૦માં ક્રમે બેટિંગ કરી હતી. ફેબુ્રઆરી ૧૯૧૨માં ઓપનિંગમાં આવેલા રોડ્ઝે ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં જેક હોબ્સ સાથે પ્રથમ વિકેટ માટે ૩૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી, જે એક સમયે ટેસ્ટમાં પ્રથમ વિકેટની સર્વોચ્ચ ભાગીદારીનો રેકોર્ડ હતો.

સનથ જયસૂર્યા

જેવી રીતે વીરેન્દ્ર સેહવાગને સફળ ઓપનર બનાવવામાં સૌરવ ગાંગુલીને શ્રેય આપવો પડે તેમ અદ્દલ રીતે સનથ જયસૂર્યાએ ટેસ્ટમાં ઓપનર તરીકે અનેક રેકોર્ડ બનાવ્યા તેમાં તેના તત્કાલીન સુકાની અર્જુન રણતુંગાનું મોટું યોગદાન હતું. જયસૂર્યા પ્રથમવાર ૧૯૯૪માં ટેસ્ટમાં ઓપનિંગમાં આવ્યો હતો.

જોકે, તેમાં તેને નિષ્ફળતા મળી હતી અને પડતો મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૬માં સનથ જયસૂર્યાને વન-ડેમાં ઓપનર તરીકે મળેલી સફળતાથી પ્રેરાઇને રણતુંગાએ તેને ફરી એકવાર ટેસ્ટમાં ઓપનર તરીકે ઉતારવાનો જુગાર ખેલ્યો. આ વખતે જયસૂર્યાએ ટેસ્ટ ઓપનર તરીકે નિરાશ કર્યા નહીં. ઓપનિંગમાં આવીને જયસૂર્યાએ ૩૪૦નો સર્વોચ્ચ સ્કોર પણ કર્યો છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN