ધોનીની જેમ રાની રામપાલ હોકીમાં ‘કેપ્ટન કૂલ’ બની

Sandesh

Sandesh

Author 2019-11-10 16:15:00

img

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે એક સમયે નિરાશાજનક પળોમાંથી પસાર થઈ રહેલી ભારતીય વિમેન્સ હોકી ટીમ ૨૦૨૦માં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ શકશે નહીં તેમ લાગતું હતું અને ટીમના ડ્રેસિંગરૂમમાં જુઓ કે સ્ટેડિયમમાં રહેલા સમર્થકોને નિહાળો, તમામને એક સમયે પરસેવો છૂટી ગયો હતો અને દિલની ધડકનો પણ વધી ગઈ હતી. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાના આરે આવેલી ભારતીય ટીમ શું અણીના સમયે વેરવિખેર થઈ જશે તેવો તમામને પ્રશ્ન થયો હતો પરંતુ સુકાની રાની રામપાલનો ગેમપ્લાન અલગ હતો. મેચમાં ગોલ કરવાની તક મળે તેની તે રાહ જોતી હતી અને આ ક્ષણ આવી કે તરત જ તેણે ગોલ ફટકાર્યો. એની સાથે પૂરા ભારતમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ગોલ એગ્રિગેટના આધારે અમેરિકાને હરાવીને ભારતે ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું હતું.

પ્રશ્ન એ છે કે, શું ભારતીય વિમેન્સ હોકીની આ સૌથી મોટી એચિવમેન્ટ છે ? શું ૧૯૭૪ના વિમેન્સ વર્લ્ડ કપમાં ચોથું સ્થાન કે પછી ૧૯૮૦ના મોસ્કો ગેમ્સમાં ચોથું સ્થાન? ૩૬ વર્ષના ગાળામાં ભારતીય વિમેન્સ હોકી ટીમે વિવિધ સિદ્ધિઓ મેળવી છે અને પ્રત્યેકની મહત્ત્વતા અલગ અલગ છે તેમાં કોઈ શંકા નથી. હોકીની મેચમાં રવિ શાસ્ત્રી કોમેન્ટેટર હોત તો તેણે તેની સ્ટાઇલમાં કીધું હોત કે ‘રાની ડિડ ઇટ ઇન સ્ટાઇલ’. ૧૧ વર્ષની કારકિર્દીમાં વર્તમાન સુકાની રાની રામપાલે અનેક ચડાવ-ઉતાર જોયા છે. લંડન ઓલિમ્પિક ૨૦૧૨ના ક્વોલિફિકેશનના પ્રદર્શનની સમીક્ષા કર્યા બાદ રાની સામે અનેક પ્રશ્નાર્થ થયા હતા. ત્યારબાદ ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક પહેલાં તેની ટીમે કરેલા પ્રદર્શનના કારણે એક બાબત ચોક્કસ બની હતી કે રાનીની યોજનાઓ અલગ છે. આયરલેન્ડ સામેની પેનલ્ટી શૂટઆઉટમાં પેનલ્ટીને ચૂકી જવાના કારણે ભારત ૨૦૧૮ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાથી વંચિત રહ્યું હતું પરંતુ રમતમંત્રાલય તથા હોકી ઇન્ડિયાએ રાની તથા તેની ટીમ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો અને તેનું પરિણામ ફળદાયી પણ મળ્યું છે.

હોકી મેચના પ્રત્યેક પ્રસંગે રાનીએ અગ્રેસર બનીને ટીમને પ્રેરણા પૂરી પાડી છે. નવા દિવસે નવી મેચ અને તેમાં નવી રણનીતિ, આ સ્લોગન સાથે રાની મેદાનમાં ઊતરે છે. ભૂતકાળમાં જેમ ભારતીય ટીમ છેલ્લી મિનિટોમાં મેચ હારી જતી હતી તેવું હવે બનતું નથી કારણ કે રાની રામપાલ ઘડિયાળને જાણે બંધ કરી દેતી હોય તેવી રીતે ખેલાડીઓ રમે છે. હરીફ ખેલાડીઓ પાસેથી બોલ છીનવી લેવા ઉપરાંત તેમનાથી દૂર રહીને બોલને કેવી રીતે ગોલપોસ્ટ સુધી આગળ વધારવો તેની ટેક્નિક શીખી લીધી છે. ટોપ-૫ ટીમો સામે પણ હવે વિમેન્સ ટીમ પડકાર ફેંકીને મુકાબલો જીતી લેવાની આદત પાડી ચૂકી છે. ૨૦૧૫માં એન્ટવર્પ ખાતે જાપાન સામેના ગોલ હોય કે ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સાઉથ આફ્રિકા સામેનો ગોલ, રાનીએ ભારતને મેજર ઇવેન્ટમાં સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. કારકિર્દીમાં ૨૪૧ મેચમાં ૧૨૪ ગોલ કરી ચૂકેલી રાનીએ મેદાન ઉપર ક્રિકેટના ‘મી. કૂલ’ મહેન્દ્રસિંહ ધોનીને જેમ શાંત રહીને તરત જ ગેમ પ્લાન બદલવાની માનસિકતા દૃઢ કરી લીધી છે.

૨૦૧૩ના જુનિયર વર્લ્ડ કપમાં સુશીલા ચાનુ, વંદના કટારિયા, નવનીત કૌર, દીપગ્રેસ ઇક્કા, લિલિમા મિન્ઝ સાથે રાની રમી ચૂકી છે અને પ્રત્યેકની રમતને તે સારી રીતે જાણે છે. વિદેશી કોચના કારણે હોકીમાં પણ હવે ક્રિકેટની જેમ બેન્ચ સ્ટ્રેન્થ ખેલાડીઓ તૈયાર થઈ ચૂકી છે. રમતમંત્રાલય દ્વારા પણ ખેલાડીઓને હવે ઉચ્ચ સ્તરની સગવડો, રોકડ પુરસ્કાર સહિત વિવિધ બાબતો પૂરી પાડતું હોવાના કારણે ખેલાડીઓ પણ કોઈ પણ દબાણ વિના ધીમે ધીમે પોતાના લક્ષ્યાંક આગળ વધી રહી છે. ભારતીય વિમેન્સ હોકી ટીમને અત્યાર સુધી દૂરથી જોવામાં આવતી હતી કે તેની અવગણના કરવામાં આવતી હતી પરંતુ સુકાની રાની રામપાલે બીસીસીઆઇની વિમેન્સ ક્રિકેટ ટીમ કરતાં પણ વધારે લોકપ્રિયતા મેળવી છે તે ચોક્કસ છે. સોશિયલ મીડિયામાં પણ મહિલા ક્રિકેટ ટીમ કરતાં હોકી ટીમની ચર્ચા વધારે કરવામાં આવી છે તે ચોક્કસ છે. ૨૦૧૭ના ફેબ્રુઆરીથી ૨૦૧૮ના મે સુધીના ૧૫ મહિનાના ગાળામાં વિમેન્સ હોકી ટીમના કોચ ફેડરેશનના આંતરિક વિવાદના કારણે બે વખત બદલવામાં આવ્યા પરંતુ વિમેન્સ ટીમે કોઈ પણ હતાશા વ્યક્ત કર્યા વિના ઓલિમ્પિક ક્વોલિફિકેશનના ટાર્ગેટ પાર કરી લીધો છે અને તેમાં સુકાની રાની રામપાલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.

કવર પોઈન્ટ : રિપ્પલ એન. ક્રિસ્ટી

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN