પ્રારંભિક સંકટ બાદ રોહિત-રહાણેએ બાજી સંભાળી

Indian News

Indian News

Author 2019-10-20 05:13:00

img

। રાંચી ।

ઓપનર રોહિત શર્મા (૧૧૭*)એ શ્રેણીમાં નોંધાવેલી ત્રીજી સદી અને અજિંક્ય રહાણે (૮૩*) સાથે તેણે નોંધાવેલી અણનમ ૧૮૫ રનની અણનમ ભાગીદારીની મદદથી ભારતે શનિવારે અહીં સાઉથ આફ્રિકા સામે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ત્રણ વિકેટે ૨૨૪ રન બનાવી લીધા હતા. ભારતે ટી-ટાઇમ સુધીમાં ત્રણ વિકેટે ૨૦૫ રન બનાવી લીધા હતા. ઝાંખા પ્રકાશના કારણે રમત વહેલી બંધ કરવામાં આવતાં અંતિમ તબક્કામાં માત્ર છ ઓવરની રમત શક્ય બની હતી.

ટોસ જીતવા સાઉથ આફ્રિકાએ બે સુકાની મેદાનમાં ઉતાર્યા તો પણ હાર્યું

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટોસ દરમિયાન એક રોચક બાબત જોવા મળી હતી. ટોસ જીતવા માટે સાઉથ આફ્રિકાએ બે સુકાની, નિયમિત સુકાની ફાફ ડુ પ્લેસિસ અને ટોસ કેપ્ટન બાવુમાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમ છતાં સાઉથ આફ્રિકા વધુ એક વખત પોતાનું નસીબ બદલી શક્યું નહોતું અને તે ટોસ હારી ગયું હતું. સાઉથ આફ્રિકન સુકાની ડુ પ્લેસિસ એશિયામાં સતત ૧૦ ટોસ હારી ચૂક્યો છે. તે રાંચીમાં ટોસ જીતવા માટે બાવુમા સાથે મેદાનમાં ઊતર્યો હોવા છતાં કોઈ ફરક પડયો નહોતો. સાઉથ આફ્રિકા ટોસ માટે બે સુકાનીને મેદાનમાં ઉતાર્યો હોય તેવો આ પ્રથમ બનાવ નથી. ગયા વર્ષના ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે એક ઇન્ટરનેશનલ ટી૨૦ મેચ રમાઈ હતી જેમાં ડુ પ્લેસિસના સ્થાને જેપી ડયુમિની ટોસ માટે આવ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે, આ મેચમાં ડયુમિની પ્લેઇંગ ઇલેવનનો સભ્ય પણ નહોતો.

રોહિતનો એક જ શ્રેણીમાં હાઇએસ્ટ સિક્સરનો રેકોર્ડ

'હિટ મેન' રોહિત શર્મા કોઈ એક જ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. સાઉથ આફ્રિકા સામેની વર્તમાન શ્રેણીમાં રોહિત અત્યાર સુધીમાં કુલ ૧૭ છગ્ગા ફટકારી ચૂક્યો છે. રોહિત પહેલાં એક જ શ્રેણીમાં હાઇએસ્ટ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેતમાયરના નામે હતો. હેતમાયરે ૨૦૧૮માં બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં ૧૫ સિક્સર ફટકારી હતી. ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં શનિવારે ૧૧૭ રનની અણનમ ઇનિંગ્સમાં રોહિત ચાર સિક્સર ફટકારી ચૂક્યો છે. આ પહેલાં વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રોહિતે કુલ ૧૩ છગ્ગા ફટકાર્યા હતા અને તેણે એક જ ટેસ્ટમાં સર્વાધિક સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિત પાકિસ્તાનના વસીમ અકરમના (૧૨ સિક્સર)નો રેકોર્ડ તોડયો હતો.

ટેસ્ટમાં રોહિતના ૨, ૦૦૦ રન

હેતમાયર બાદ ટેસ્ટમાં હાઇએસ્ટ સિક્સરના મામલે ભારતના હરભજનસિંહનો નંબર હતો. તેણે ૨૦૧૦માં ન્યૂઝીલેન્ડ સામે ૧૪ સિક્સર ફટકારી હતી. રોહિતે ત્રીજી ટેસ્ટમાં પોતાની કારકિર્દીના ૨,૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. વર્તમાન શ્રેણીમાં સદી પૂરી કરવાની સાથે તેણે કુલ ૪૦૦ રનનો આંકડો પણ પાર કર્યો હતો. રોહિતે ૩૦ ટેસ્ટમાં છ સદી અને ૧૦ અડધી સદી નોંધાવી છે.

બીજા સેશનમાં રોહિત-રહાણેની મજબૂત લડત

સુકાની વિરાટ કોહલીએ સતત ત્રીજી વખત ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પેસ બોલર કાગિસો રબાડા તથા નોર્તઝેએ ૧૫.૩ ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે ૩૯ રનનો કરીને યજમાન ટીમને સંકટમાં મૂકી દીધી હતી. ત્યારબાદ રોહિત અને રહાણેએ ચોથી વિકેટ માટે ૧૮૫ રનની ભાગીદારી નોંધાવીને ટીમની બાજી સંભાળી હતી. બંનેએ બીજા સેશનમાં ભારતને વધુ કોઈ નુકસાન પહોંચાડયા વિના ૧૩૪ રન ઉમેર્યા હતા.

રોહિત ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાખ્યો

શ્રેણીમાં પોતાની ત્રીજી સદીમાં ૧૪ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર ફટકારનાર રોહિતે સુનીલ ગાવસ્કર બાદ કોઈ એક શ્રેણીમાં બે કે તેથી વધુ સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ઓપનર બનવાની સિદ્ધિ મેળવી હતી. ગાવસ્કરે ૧૯૭૦માં આ સિદ્ધિ મેળવી હતી. રોહિતે ડેન પીટની બોલિંગમાં સિક્સર પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી.

રહાણેએ ભારતમાં ફાસ્ટેસ્ટ અડધી સદી નોંધાવી

રોહિતે તેના પ્રથમ ૨૩ રન ૫૫ બોલમાં બનાવ્યા બાદ બાકીના ૭૫ રન ૭૮ બોલમાં ફટકાર્યા હતા. રહાણે પણ રોહિત સાથે તાલમેલ જાળવીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. રહાણેએ માત્ર ૭૦ બોલમાં ૨૧મી અડધી સદી પૂરી કરી હતી. ભારતમાં આ તેની ફાસ્ટેસ્ટ અડધી સદી છે. રોહિતે મુથુસામીના સ્થાને રમાડવામાં આવેલા પીટને ખાસ ટાર્ગેટ બનાવ્યો હતો અને આ ઓફ સ્પિનરની છ ઓવરમાં ૪૩ રન ફટકારી દીધા હતા.

બીજા સ્પેલના રબાડા ખર્ચાળ સાબિત થયો

ઈજાગ્રસ્ત કેશન મહારાજના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા જ્યોર્જ લિન્ડેએ એક છેડેથી ચુસ્ત બોલિંગ નાખી હતી. રોહિત અને રહાણેની આક્રમક બેટિંગ સામે બીજા સ્પેલમાં રબાડા ખર્ચાળ સાબિત થયો હતો. રબાડાએ પ્રથમ સ્પેલમાં ૧૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. બીજા સ્પેલમાં તેણે વિકેટ ઝડપ્યા વિના ચાર ઓવરમાં ૩૦ રન આપી દીધા હતા.

ટૂંકા ગાળામાં જ ભારતે ૩૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી

પેસ બોલર રબાડાએ પોતાના પ્રથમ સ્પેલમાં સાત ઓવરમાંથી ચાર ઓવર મેઇડન નાખી હતી. તેણે ઓપનર મયંક અગ્રવાલ (૧૦) તથા ચેતેશ્વર પૂજારા (૦)ને પેવેલિયન પરત મોકલતા ભારતે નવમી ઓવરમાં ૧૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો અને તેણે ડીઆરએસનો સહારો લીધો હતો જે સાઉથ આફ્રિકાની તરફેણમાં ગયો હતો. નોર્તઝેએ કોહલીને (૧૨) આઉટ કરીને પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી હતી. ડીઆરએસમાં અમ્પાયર્સ કોલ હોવાના કારણે કોહલીને પેવેલિયન પરત ફરવું પડયું હતું.

રાંચીનો લોકલ બોય શાહબાઝ નદીમનો ટેસ્ટમાં ડેબ્યૂ, ભારતનો ૨૯૬મો ક્રિકેટર બન્યો

ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે જેએસસીએ સ્ટેડિયમ ખાતે શનિવારથી રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં પેસ બોલર ઇશાન્ત શર્માના સ્થાને રાંચીના લોકલ બોય શાહબાઝ નદીમને ટેસ્ટ કેપ આપી હતી. ૩૦ વર્ષીય નદીમ ભારત માટે ટેસ્ટ રમનાર ૨૯૬મો ક્રિકેટર બની ગયો છે. ટોસ પહેલાં સુકાની વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ એનાયત કરી હતી. ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનર નદીમ ફર્સ્ટ કારકિર્દીમાં ૧૧૦ મેચમાં કુલ ૪૨૪ વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. તેણે ૨,૧૩૧ રન પણ બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૪૫ રનમાં સાત વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. લિસ્ટ-એ કારકિર્દીમાં તેણે ૧૦૬ મેચમાં ૧૪૫ વિકેટ ઝડપી છે.

સાઉથ આફ્રિકન ટીમે પાંચ ફેરફાર કર્યા

સાઉથ આફ્રિકાએ છેલ્લી ટેસ્ટ માટે ટીમમાં પાંચ ફેરફાર કર્યા હતા. એડન માર્કરામ, વર્નોન ફિલાન્ડર, થેયુનિસ ડી બ્રૂન, સેનુરાન મુથુસામી અને કેશ મહારાજના સ્થાને ઝુબાયર હમઝા, હેનરિક સ્લાસેન, જ્યોર્જ લિન્ડે, લુંગી નગિડી અને ડેન પીટને ફાઇનલ ઇલેવનમાં સ્થાન અપાયું હતું. માર્કરામ ઈજાગ્રસ્ત છે અને લિન્ડે પોતાની પ્રથમ ટેસ્ટ રમશે.

વિમેન્સ ક્રિકેટ પણ આવું બની ચૂક્યું છે

સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વિમેન્સ ટી૨૦ શ્રેણીના પ્રથમ મુકાબલામાં ટોસ માટે ત્રણ સુકાનીઓ એક સાથે મેદાનમાં આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ૨૯મી સપ્ટેમ્બરે સિડનીના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયન ટીમની સુકાની મેગ લેનિંગ, ટોસ સુકાની એલિસા હિલી મેદાનમાં સાથે ઊતરી હતી. ડુ પ્લેસિસની જેમ લેનિંગ પણ ટોસના મામલે ઘણી અનલકી સાબિત થઈ છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD