પ્રિયાંક પંચાલને ક્યારે તક? હવે નહીં તો ક્યારે.!!

Indian News

Indian News

Author 2019-10-03 21:25:00

img

ભારતીય ટેસ્ટ ટીમમાં ઓપનિંગ તથા મિડલ ઓર્ડરના ચોથા ક્રમ માટેના ખેલાડીની પસંદગી હંમેશાં સિલેક્ટર્સ તથા ટીમ મેનેજમેન્ટ માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ઘણા યુવા ખેલાડીઓ ઓપનિંગ તથા મિડલ ઓર્ડર માટે પોતાની સતત દાવેદારી રજૂ કરે છે, પરંતુ પસંદગીકારો દ્વારા તેમની સતત અવગણના થઈ રહી છે અને તેમાંનો એક ખેલાડી છે ગુજરાતનો બેટ્સમેન પ્રિયાંક પંચાલ. બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રનનો ઢગલો કરનાર તથા ૨૦૧૮માં બીસીસીઆઇ તરફથી રણજી ટ્રોફીમાં હાઇએસ્ટ રનના એવોર્ડથી સન્માનિત થયેલા પ્રિયાંકે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટમાં સદી નોંધાવીને ફરીથી તેનો દાવો મજબૂત કર્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેને ક્યારે તક મળશે?

પસંદગીકારો યુવા ખેલાડીને તેના સર્વોચ્ચ ફોર્મમાં તક ના આપે તો તે હતાશ થઈ જાય છે. ગુજરાતમાંથી ઘણા ખેલાડી ભૂતકાળમાં ટેસ્ટ ક્રિકેટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા હતા, પરંતુ વેસ્ટ ઝોનના પસંદગીકારો સતત ગુજરાતને અન્યાય કરતા આવ્યા છે.

ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલનો પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. અમદાવાદમાં જન્મેલો ૨૮ વર્ષીય પ્રિયાંક ૨૦૧૬માં ગુજરાત તરફથી ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તે સિઝનમાં તેણે ૧૦૦૦ કરતાં વધારે રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત તેણે ૨૦૧૬માં ભારતના તમામ બેટ્સમેનોને પાછળ રાખીને ૧૩૧૦ રન બનાવ્યા હતા અને ૨૦૧૮-૧૯ની સિઝનમાં પણ તે ૧૧૧૪ રન બનાવીને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં બીજા ક્રમે રહ્યો છે. પસંદગીકારોને હજુ કેટલા સારા ફોર્મ તથા પ્રદર્શનની જરૂર છે તેની ખબર પડતી નથી. પ્રિયાંકેની છેલ્લી ૫૦ પ્રથમ કક્ષાની મેચોની ૭૯ ઇનિંગ્સમાં ૬૦.૭૦ની એવરેજથી ૪૪૩૧ રન બનાવ્યા છે. જેમાં ૧૭ સદી તથા ૧૬ અડધી સદી સામેલ છે. તેની ૧૬માંથી ૧૦ સદીની ઇનિંગ્સ ૧૪૦ પ્લસ સ્કોરની છે અને તેમાં બે બેવડી સદી તથા એક ત્રેવડી સદી પણ છે. પ્રિયાંકે ફર્સ્ટ ક્લાસ ૮૮ મેચમાં અણનમ ૩૧૪ના સ્કોર સાથે ૪૭.૩૭ની એવરેજ વડે ૬૩૦૧ રન બનાવ્યા છે. તેણે ૨૨ સદી તથા ૨૩ અડધી સદી ફટકારી છે. ૧૧ વર્ષથી ગુજરાત માટે રમી રહેલો પ્રિયાંક પોતાની ટીમની બેટિંગનો આધારસ્તંભ બની ચૂક્યો છે. તેણે ભારત-એ ટીમ માટે પણ સતત સારો દેખાવ કર્યો હોવા છતાં તે સતત અવગણનાનો ભોગ બન્યો છે.

સાઉથ આફ્રિકન ટીમ ૨૦૦૮ના એપ્રિલમાં અમદાવાદમાં ટેસ્ટ મેચ રમવા માટે આવી હતી અને મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. આ શ્રેણી માટે ટીમની જાહેરાત થઈ તે પહેલાં ગુજરાતના પેસ બોલર સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ સંભળાતું હતું, પરંતુ તે સમયની પસંદગી સમિતિએ ઇનફોર્મ સિદ્ધાર્થના બદલે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા લક્ષ્‍મીપતિ બાલાજીનો ટીમમાં સમાવેશ કર્યો હતો. ૨૦૦૮ની સિઝનમાં સિદ્ધાર્થે રણજી ટ્રોફી સિઝનમાં ચાર વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપીને ડોમેસ્ટિક સિઝનમાં ૪૦ પ્લસ વિકેટ ઝડપીને પોતાનો દાવો મજબૂત કર્યો હતો, પરંતુ અગમ્ય કારણોસર તેની પણ પસંદગી સમિતિએ અવણગના કરી હતી. આ જ રીતે છેલ્લાં કેટલાંક વર્ષથી ડોમેસ્ટિક તથા ભારત-એ માટે શાનદાર દેખાવ કરનાર મનપ્રીત જૂનેજાને પણ ગણતરીમાં લેવામાં આવ્યો નથી. મનપ્રીતે પણ ૫૮ ફર્સ્ટ ક્લાસ મેચોમાં અણનમ ૨૦૧ના હાઇએસ્ટ સ્કોર સાથે ૪૮.૫૮ની એવરેજથી ૩૭૪૧ રન બનાવ્યા છે, જેમાં આઠ સદી તથા ૨૧ અડધી સદીનો સમાવેશ થાય છે. મનપ્રીતે ૮૨ વિકેટ પણ ખેરવી છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના ખેલાડી શેલ્ડન જેક્શને પણ એક પસંદગીકારને ટ્વિટ કરીને લખ્યું હતું કે ડોમેસ્ટિક સિઝનમાં સતત સારો દેખાવ કર્યો હોવા છતાં પસંદગી ના થાય તો ટેસ્ટ ટીમમાં પ્રવેશવા માટે કયા માપદંડ જોઈએ છે. પસંદગીકારો જો હવે પ્રિયાંકને ટૂંકા સમયમાં તક ના આપે તો તે ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીને થયેલો અન્યાય જ ગણાશે.

કવર પોઈન્ટ :- રિપ્પલ એન. ક્રિસ્ટી

ripple 18765 @gmail. . com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD