મયંકની સતત બીજી સદી, પૂજારા-કોહલીની ફિફ્ટી

Indian News

Indian News

Author 2019-10-11 05:20:00

img

। પૂણે ।

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રારંભિક દિવસની રમતના અંતે યજમાન ટીમે રમત ઉપર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ઓપનર મયંક અગ્રવાલની શાનદાર સદી (૧૦૮) તથા ચેતેશ્વર પૂજારા (૫૮) અને સુકાની વિરાટ કોહલીના અણનમ ૬૩ રનની મદદથી પ્રથમ દિવસના સ્ટમ્પના સમયે ત્રણ વિકેટે ૨૭૩ રન નોંધાવી લીધા હતા. સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ૩૮ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. રમતના અંતે કોહલીની સાથે ઉપસુકાની અજિંક્ય રહાણે ૧૮ રન બનાવીને રમી રહ્યો હતો. ખરાબ પ્રકાશના કારણે પ્રથમ દિવસની રમતને ૪.૫ ઓવર વહેલી બંધ કરવામાં આવી હતી.

બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર મયંક અને રોહિત શર્માએ ભારત માટે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારનાર રોહિત માત્ર ૧૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રબાડાએ પેસ તથા એક્સ્ટ્રા બાઉન્સ દ્વારા રોહિતને વિકેટકીપર ડી કોકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ મયંક અને પૂજારાએ લંચના સમયે ભારતનો સ્કોર એક વિકેટે ૭૭ સુધી પહોંચાડયો હતો.

છેલ્લા તબક્કામાં મયંકે આક્રમક શોટ્સ રમી સદી પૂરી કરી

રમતના છેલ્લા તબક્કામાં મયંકે અચાનક મૂડ બદલીને કેટલાક આક્રમક શોટ્સ રમ્યા હતા. કેશવ મહારાજની બોલિંગમાં સતત બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને પોતાનો સ્કોર ૯૯ સુધી પહોંચાડી દીધો હતો. ત્યારબાદ ફિલાન્ડરની બોલિંગમાં બાઉન્ડ્રી ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આમ તે સાઉથ આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી નોંધાવનાર સેહવાગ બાદ પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. મયંક વ્યક્તિગત ૧૦૮ રને આઉટ થયો હતો. તેણે ૧૯૫ બોલનો સામનો કરીને ૧૬ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી. ત્યારબાદ કોહલીએ પણ ગિયર બદલીને રનરેટ વધાર્યો હતો. કોહલીએ ૧૦૫ બોલનો સામનો કરીને ૧૦ બાઉન્ડ્રી વડે અણનમ ૬૩ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકન સુકાની ફાફ ડુ પ્લેસિસે તેના છ બોલરનો ઉપયોગ કર્યો હતો.

સેહવાગે સાઉથ આફ્રિકા સામે સતત બે સદી ફટકારી હતી

ભારતના યુવા ઓપનર મયંક અગ્રવાલે પૂણે ટેસ્ટમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આ સાથે તેણે સતત બે ટેસ્ટમાં બે સદી નોંધાવવાના મામલે ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની બરોબરી કરી લીધી હતી. મયંક પહેલાં સેહવાગે સાઉથ આફ્રિકા સામે જ ૨૦૦૯-૧૦માં સતત બે ટેસ્ટ સદી ફટકારી હતી. મયંકે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ૨૧૫ રનની ઇનિંગ્સ રમી હતી. સેહવાગ સતત ત્રણ ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી ચૂક્યો છે. આ દરમિયાન તેણે છઠ્ઠી અને ૧૪મી ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે ૧૦૯ તથા ૧૬૫ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ સેહવાગે ૧૮મી જુલાઈએ શ્રીલંકા સામે ગાલે ખાતે ૧૦૯ રનની ઇનિંગ્સ રમીને સતત ત્રણ ટેસ્ટમાં ત્રણ સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

સતત સર્વાધિક સદીના મામલે ભારતનો ગૌતમ ગંભીર ટોચના ક્રમે છે. તેણે ૨૦૦૯ના માર્ચથી ૨૦૧૦ના જાન્યુઆરી વચ્ચે સતત પાંચ ટેસ્ટમાં પાંચ સદી ફટકારી હતી. આ ગાળામાં ગંભીરે ન્યૂઝીલેન્ડ સામે બે, શ્રીલંકા સામે બે તથા બાંગ્લાદેશ સામે એક સદી નોંધાવી હતી.

સુકાની તરીકે કોહલીની ૫૦ ટેસ્ટ પૂરી, ધોની બાદ ભારતનો બીજો કેપ્ટન બન્યો

ભારતીય ક્રિકેટ સુકાની વિરાટ કોહલીએ ટોસ માટે પૂણેના ગ્રાઉન્ડ ઉપર પગ મૂક્યો કે તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી ૫૦ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાના મામલે કોહલી બીજા ક્રમે પહોંચી ગયો છે. કોહલી પહેલાં મહેન્દ્રસિંહ ધોની એક માત્ર એવો સુકાની છે જેણે ૫૦ કરતાં વધારે ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. સુકાની તરીકે અડધી સદી નોંધાવનાર કોહલી વિશ્વનો ૧૪મો તથા ભારતનો બીજો સુકાની છે. આ ટેસ્ટ પહેલાં કોહલી ભારતીય સુકાનીઓની યાદીમાં સૌરવ ગાંગુલી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે હતો. ૪૯ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનાર ગાંગુલી (૨૦૦૦થી ૨૦૦૫) હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. એમએસ ધોનીએ (૨૦૦૮થી ૨૦૧૪ સુધી) ૬૦ ટેસ્ટમાં ભારતનું સુકાનીપદ સંભાળ્યું હતું. વિશ્વમાં સૌથી વધારે મેચમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડીઓની યાદીમાં સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ પ્રથમ સ્થાને છે. ૧૯ વર્ષની વયે આફ્રિકન ટીમનું નેતૃત્વ સંભાળનાર સ્મિથે ૧૦૯ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે. પોતાની કારકિર્દીમાં ૧૧૭ ટેસ્ટ સંભાળનાર સ્મિથે વિક્રમી ૧૦૯ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN