રાજકોટમાં ક્રિકેટ ફિવર: બન્ને ટીમોનું થયું આગમન

Abtak Media

Abtak Media

Author 2019-11-04 18:27:03

રાજકોટમાં આજથી ચાર દિવસ ક્રિકેટ ફિવર છવાશે. ભારત અને બાંગ્લાદેશની ટીમનું આજે બપોરે દિલ્હી ખાતેથી ચાર્ટડ પ્લેનમાં રાજકોટ ખાતે આગમન થશે. બન્ને ટીમો મંગળવાર અને બુધવારના રોજ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડશે. ગુરૂવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે શ્રેણીનો બીજો ટી-૨૦ મેચ રમાશે. જો કે મહા વાવાઝોડાના કારણે રાજ્યમાં ૭મીના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય આ મેચ પર ખતરો મંડરાય રહ્યો છે. દિલ્હી ખાતે રમાયેલો પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતનો પરાજય તાં રાજકોટનો મેચ બન્ને ટીમો માટે મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે બીજા મેચમાં ભારત શ્રેણી સરભર કરવાના તો બાંગ્લાદેશ શ્રેણી જીતવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

દિલ્હીથી આજે બપોરે ૧૨:૪૫ કલાકે બન્ને ટીમો ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ આવવા માટે રવાના થશે. બપોરે ૨:૩૦ કલાક સુધીમાં બન્ને ટીમનું રાજકોટમાં આગમન થઈ જશે. ટીમ ઈન્ડિયાને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યારે બાંગ્લાદેશની ટીમ યાજ્ઞીક રોડ પર આવેલ હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે રોકાશે. ફોર્ચ્યુન હોટલમાં સુકાની રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી માટે ખાસ સ્યુટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાને વેલકમ કરવા માટે અવનવી કેક પણ બનાવવામાં આવી છે. આવતીકાલે અને બુધવારે સવારે ૧૦થી ૧ વાગ્યા સુધી બાંગ્લાદેશની ટીમ જ્યારે ૨થી ૫ વાગ્યા સુધી ભારતની ટીમ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડશે. બન્ને ટીમો વચ્ચો ગુરૂવારે સાંજે ૭ કલાકે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે બીજો ટી-૨૦ મેચ રમાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ૨ ટી-૨૦ મેચ રમાયા છે. જેનું પરિણામ ભારતની તરફેણમાં ફીફટી-ફીફટી રહ્યું છે. તા.૧૦-૧૦-૨૦૧૩ના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલા પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને પરાસ્ત કર્યું હતું. જ્યારે ૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ મેચમાં ભારતનો પરાજય થયો હતો. દિલ્હી ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો ૭ વિકેટે પરાજય થતાં હવે રાજકોટ ખાતે રમાનારી બીજી ટી-૨૦ મેચ ટીમ ઈન્ડિયા માટે ડુ ઓર ડાય સમાન બની રહેશે. શ્રેણી બચાવવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં રાજકોટની મેચ જીતવી પડશે. ‘મહા’ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૬થી ૭ નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. રાજકોટમાં રમાનારી ટી-૨૦ મેચ પર પણ જોખમ જળુંબી રહ્યું છે. આજથી ટીમનું આગમનથ તાંની સાથે જ રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાઈ જશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD