રોહિતના 115* : ભારતના પ્રથમ ટેસ્ટમાં વિના વિકેટે 202

Indian News

Indian News

Author 2019-10-03 13:35:35

img

વિશાખાપટ્ટનમ, તા.૨

વન ડે અને ટી-૨૦માં ઓપનર તરીકે સફળતા મેળવનારા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રભાવશાળી શરૃઆત કરતાં ભારતે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં મક્કમ પ્રારંભ કર્યો હતો. ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ૫૯.૧ ઓવરમાં વિના વિકેટે ૨૦૨ રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરો માટે આજનો દિવસ હતાશાજનક રહ્યો હતો અને પ્રવાસી ટીમના બોલરો એક પણ સફળતા મેળવી શક્યા નહતા. રોહિતનો સાથ આપતાં સામેના છેડે મયંક અગ્રવાલ પણ ૮૪ના સ્કોર પર નોટઆઉટ રહ્યો હતો. પ્રથમ દિવસે ટી બ્રેક નજીક આવ્યો ત્યારે હવામાન પલ્ટાયું હતુ અને વરસાદના વિઘ્નને કારણે ટી બ્રેક બાદની તો એક પણ બોલ નાંખી શકાયો નહતો.

વિશાખાપટ્ટનમમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડીએ ભારતીય ઈનિંગનો સંગીન પ્રારંભ કર્યો હતો. રોહિત શર્માએ ભારે જવાબદારી સાથે બેટીંગ કરતાં કારકિર્દીની ચોથી ટેસ્ટ સદી ફટકારી હતી. રોહિતે લંચ બ્રેક પહેલા જ અડધી સદી પુરી કરી લીધી હતી. આ પછી તેણે ટેસ્ટ ઓપનર તરીકે કારકિર્દીની પહેલી સદી ૧૫૪ બોલમાં પુરી કરી હતી. રોહિત ૧૭૪ બોલનો સામનો કરતાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે અણનમ ૧૧૫ રન કર્યા હતા. તેનો સાથ આપતાં મયંક અગ્રવાલે ૧૮૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૮૪ રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરો ફિલાન્ડર અને રબાડાએ શરૃઆતમાં પ્રભાવ પાડયો હતો. ખાસ કરીને રબાડાની બોલિંગમાં ભારતીય બેટસમેનો થોડા પરેશાન જોઈ શકાતા હતા. સ્પિનર કેશવ મહારાજે પણ ૨૩ ઓવરમાં ૨.૮૬ની સરેરાશથી ૬૬ રન આપ્યા હતા. જોકે પાઈડટ અને મુથુસામી ભારતીય ઓપનર્સનો ટાર્ગેટ બન્યા હતા.

પ્રથમ દિવસે વિશાખાપટ્ટનમમાં વરસાદની ૮૦ ટકા શક્યતા હતી. જોકે સવારનો સેશન યોગ્ય રીતે પુરો થયો હતો. આ પછી લંચ બ્રેક બાદની રમત પણ આસાનીથી આગળ વધી હતી. જોકે ટી બ્રેક નજીક આવતા હવામાનની અસર જોવા મળી હતી અને બેડ લાઈટને કારણે રમત અટકાવવી પડી હતી. આ પછી ભારે વરસાદના કારણે ટી બ્રેક પછીની રમત તો ધોવાઈ જ ગઈ હતી. વરસાદમાં મેચ ધોવાતા હવે આવતીકાલની રમત અડધો કલાક વહેલી શરૃ થશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN