રોહિત-મયંકની ‘રન વર્ષા’ બાદ વરસાદ વિલન

Sandesh

Sandesh

Author 2019-10-03 06:26:00

img

‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકેની ભૂમિકાની શાનદાર શરૂઆત કરવા ઉપરાંત યુવા ખેલાડી મયંક અગ્રવાલ સાથે પ્રથમ વિકેટ માટે અણનમ ૨૦૨ રનની ભાગીદારી નોંધાવીને અહીં રમાતી પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે ભારત માટે તોતિંગ જુમલાનો પાયો નાખી દીધો હતો. ભારે વરસાદના કારણે રમતના છેલ્લા તબક્કાની રમત વેડફાઈ ગઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ તબક્કામાં સાઉથ આફ્રિકન બોલર્સે કેટલીક વખત બંને ભારતીય ઓપનર્સને પરેશાન કર્યા હતા પરંતુ એક વખત રિધમ હાંસલ કર્યા બાદ રોહિત અને મયંકે મુક્તમને કેટલાક આકર્ષક શોટ્સ રમ્યા હતા. ઝાંખા પ્રકાશના કારણે બપોરે લગભગ ૨:૧૫ની આસપાસ ફ્લડ લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી. સતત વરસાદના કારણે પ્રથમ દિવસની રમત પડતી મૂકવામાં આવી ત્યારે રોહિત ૧૭૪ બોલમાં ૧૧૫ તથા મયંક અગ્રવાલ ૧૮૩ બોલમાં ૮૪ રને રમી રહ્યો હતો.

ભારતે પ્રથમ ૧૫ ઓવરમાં વિના વિકેટે ૩૭ રન બનાવ્યા હતા. પેસ બોલર ફિલાન્ડરે કેટલીક વખત ભારતીય ઓપનર્સને પરેશાન કર્યા હતા પરંતુ રબાડા અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. પ્રથમ કલાકમાં રોહિત અને ફિલાન્ડર વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ મેચમાં રોહિતને બીજા જ બોલે આઉટ કરનાર ફિલાન્ડરે ચાર ઓવરના પ્રારંભિક સ્પેલમાં ઇન અને આઉટ સ્વિંગ દ્વારા બંને બેટ્સમેનોની કસોટી કરી હતી. કેટલાક બોલ ચૂકી ગયા બાદ રોહિતે ફિલાન્ડરની બોલિંગમાં સ્ટેપ આઉટ થઈને શોટ્સ રમવાનું ચાલુ કરતાં ક્વિન્ટન ડી કોકે સ્ટમ્પ ઉપર આવીને પેસ બોલિંગમાં વિકેટકીપિંગ કરવાનું શરૂ કર્યું હતું.

ભારતીય ટીમના વન-ડે નિષ્ણાત બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે તેણે ઓપનર તરીકેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સાથે રોહિત ભારતીય ઓપનર્સની વિશેષ ક્લબમાં સામેલ થઇ ગયો છે. તે ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટમાં જ સદી નોંધાવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલાં શિખર ધવન, લોકેશ રાહુલ તથા યુવા ખેલાડી પૃથ્વી શો આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં બાઉન્ડ્રી સાથે પોતાની ઇનિંગ્સનો પ્રારંભ કરનાર રોહિતે બાઉન્ડ્રી વડે જ ૮૪ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ટેસ્ટ ઓપનર તરીકે પોતાની પ્રથમ સદીમાં તેણે ૧૫૪ બોલનો સામનો કર્યો હતો જેમાં ૧૦ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર ફટકારી હતી.

વન-ડે ફોર્મેટમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનર્સમાં સામેલ રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં કુલ ચોથી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં લગભગ બે વર્ષ બાદ સદી નોંધાવી છે. આ પહેલાં રોહિતે નાગપુર ખાતે શ્રીલંકા સામે ૨૦૧૭ની પહેલી નવેમ્બરે અણનમ ૧૦૨ રનની ઇનિંગ્સ રમી હતી. પૃથ્વી શોએ રાજકોટ ખાતે ઓપનર તરીકે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ગયા વર્ષના ઓક્ટોબરમાં ૧૩૪ રન નોંધાવ્યા હતા. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૫ની જાન્યુઆરીમાં સિડની ટેસ્ટમાં ૧૧૦ તથા શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં ૨૦૧૩ના માર્ચમાં ૧૮૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ધવન મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.

૧૮૭   શિખર ધવન    ઓસ્ટ્રેલિયા      મોહાલી માર્ચ, ૨૦૧૩

૧૧૦   લોકેશ રાહુલ   ઓસ્ટ્રેલિયા      સિડની  જાન્યુઆરી, ૨૦૧૫

૧૩૪   પૃથ્વી શો       વેસ્ટ ઇન્ડિઝ    રાજકોટ ઓક્ટોબર, ૨૦૧૮

૧૧૫”  રોહિત શર્મા     સાઉથ આફ્રિકા  વિશાખાપટ્ટનમ  ઓક્ટોબર, ૨૦૧૯

પૂરા દેશમાં બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી મનાવવામાં આવી હતી. આ સાથે દેશમાં સ્વચ્છ ભારત અભિયાનને પણ પાંચ વર્ષ પૂરાં થયાં હતાં. આ પ્રસંગે ભારતીય ટીમે રાષ્ટ્રપિતાને યાદ કરીને સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકા સામે બુધવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓએ પોતાની જર્સી ઉપર સ્વચ્છ ભારત અભિયાનનું સ્ટિકર લગાવ્યું હતું. બીસીસીઆઇએ પોતાના ટ્વિટર ઉપર આ બાબતની માહિતી આપવા ઉપરાંત ખેલાડીઓનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે બુધવારે ભારત માટે રોહિત શર્મા અને મયંક અગ્રવાલે ઇનિંગ્સનો પ્રારંભ કરવાની સાથે જ રેકોર્ડ બુકમાં પોતાનું નામ અંકિત કરાવી દીધું હતું. ૪૭ વર્ષના લાંબા ગાળા બાદ કોઈ નવી ભારતીય ઓપનિંગ જોડીએ ઘરઆંગણે ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિત અને મયંક ઓપનર તરીકે ભારતની ધરતી ઉપર પ્રથમ વખત ઓપનર તરીકે રમી રહ્યા છે. આ પહેલાં ૧૯૭૨માં ઇંગ્લેન્ડ સામે ફિરોઝશાહ કોટલા ખાતેની ટેસ્ટમાં સુનીલ ગાવસ્કર તથા રામનાથ પારકરે ભારતની ઇનિંગ્સ શરૂ કરી હતી. આ મેચમાં રામનાથ પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યા હતા અને ગાવસ્કરે ઓપનર તરીકે પોતાની પ્રથમ મેચ રમી હતી. આમ ભારત તરફથી ૪૭ વર્ષ બાદ કોઈ નવી જોડીએ ઇનિંગ્સનો પ્રારંભ કર્યો છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN