સાઉથ આફ્રિકા સામે ભારતનો એક ઇનિંગ અને ૧૩૭ રનથી વિજય

Indian News

Indian News

Author 2019-10-14 04:37:00

img

। પૂણે ।

ટીમ ઈન્ડિયાએ પૂણે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ અને ૧૩૭ રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ૨-૦ની અજેય બઢત બનાવી લઈને સિરીઝ પોતાના નામે કરી દીધી છે. ભારતે પાંચ વિકેટે ૬૦૧ રને પહેલો દાવ ડિક્લેર કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા દિવસે પહેલા દાવમાં ૨૭૫ રનમાં ઓલ આઉટ થઈ હતી અને ૩૨૬ રનની લીડ હોવાના કારણે સુકાની વિરાટ કોહલીએ ફોલોઓન આપ્યું હતું. જોકે સાઉથ આફ્રિકાની ટીમ ચોથા દિવસે ૬૭.૨ ઓવરમાં ૧૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી ટાઇમ બાદ સાઉથ આફ્રિકા ઓલઆઉટ થયું હતું. ભારતીય બોલરોની ઉત્તમ બોલિંગના કારણે મેચમાં ચોથા દિવસે જ પરિણામ આવી ગયું હતું. ૨૫૪ અણનમ રન કરનારા સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ ૧૯ ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ડબલ સેન્ચુરી અને મયંક અગ્રવાલની સદીના જોરે પાંચ વિકેટે ૬૦૧ રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જોકે સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં ૨૭૫ અને બીજી ઇનિંગમાં ૧૮૯ રન કરી શકી હતી. ટીમ ઈન્ડિયાના બોલરો સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પર હાવી થયા હતા. બીજી ઇનિંગમાં ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ ૩-૩ વિકેટ જ્યારે અશ્વિને ૨ અને શમી અને ઈશાંત શર્માએ ૧-૧ વિકેટ લીધી હતી.

પહેલી ઈનિંગમાં એક પણ વિકેટ ન મેળવી શકનારા ઈશાંત શર્માએ રવિવારે સવારે બીજા જ બોલમાં એડેન માર્કરામને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. નોન-સ્ટ્રાઇક એન્ડ પર રહેલા ડીન એલ્ગર સાથે લાંબી વાતચીત કર્યા બાદ માર્કરામે રિવ્યૂ લીધો નહોતો પણ ટીવી રિપ્લેમાં બોલ લેગ સ્ટમ્પની બહાર જતો દેખાતો હતો. ત્યાર બાદ થૂનિસ ડી બ્રૂયનનો શાનદાર કેચ વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ લીધો હતો.

એલ્ગર અને સુકાની ફાફ ડુ પ્લેસિસેએ ૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી. પ્લેસિસને પાંચ રને અશ્વિને આઉટ કર્યો હતો. પ્લેસિસે ૫૪ બોલમાં પાંચ રન બનાવ્યા હતા. ડીન એલ્ગરે ૭૨ બોલમાં ૪૮ રન બનાવ્યા હતા. જોકે અશ્વિને તેને આઉટ કર્યો હતો. લંચ બાદ રવીન્દ્ર જાડેજાએ ક્વિન્ટન ડી કોકને પાંચ રને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ બાવુમા અને સેનુરન મુથુસામીએ ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. જાડેજાએ બાવુમાને ૩૮ રને અને મોહમ્મદ શમીએ મુથુસામીને ૯ રને આઉટ કર્યો હતો. ત્યાર બાદ ફિલાન્ડર અને કેશવ મહારાજે ૫૬ રનની પાર્ટનરશિપ કરી હતી પણ ઉમેશ યાદવે એક જ ઓવરમાં પહેલાં ફિલાન્ડર અને પછી કાગિસો રબાડાને આઉટ કરીને ભારતને જીતના દ્વારે મૂક્યું હતું. કેશવ મહારાજને જાડેજાએ આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે અને ભારત ૨૦૦ પોઇન્ટ સાથે ટેબલમાં મોખરાના સ્થાને રહ્યું છે.

ત્રણ ફ્લાઇંગ કેચ માટે સાહાને પાર્ટી :ઉમેશ યાદવ

પૂણે ટેસ્ટમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ ત્રણ ફ્લાઇંગ કેચ ઝડપ્યા હતા અને આ ત્રણેય કેચ ઉમેશ યાદવની બોલિંગમાં હતા તેથી ઉમેશ યાદવે કહ્યું હતું કે, આ ત્રણ કેચ માટે પાર્ટી તો બને છે. મારું માનવું છે કે, લેગ સાઇડના બે કેચ માટે મારે એને પાર્ટી આપવી પડશે. આ કેચ ડિફિકલ્ટ હતા. આ વિકેટો મારી નહીં પણ સાહાની હતી.

કોહલીએ અઝહરુદ્દીનની બરાબરી કરી

પૂણે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ અને ૧૩૭ રનથી હરાવીને વિરાટ કોહલીના સુકાનીદપે ભારત ૮મી વખત એક ઇનિંગના ર્માિજનથી મેચ જીત્યું છે અને આમ તેણે મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી છે. મહેન્દ્રસિંહ ધોની ૯ વાર એક ઇનિંગના ર્માિજનથી જીત મેળવી ચૂક્યો છે અને આ સૂચિમાં એ પ્રથમ સ્થાને છે.

સા. આફ્રિકા સામે સૌથી મોટો વિજય

સાઉથ આફ્રિકાને ભારતે ૨૦૦૮માં એક ઇનિંગ અને ૯૦ રને હરાવ્યું હતું પણ આ વખતે જીતનું ર્માિજન વધીને ૧૩૭ રન થયું છે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશન સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે. ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ૩૩૩ રને હારી ગયું હતું. હવે બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે.

આફ્રિકાના કોચે કરી કોહલીની પ્રસંશા

સાઉથ આફ્રિકાના પરાજય બાદ ટીમના કોચ હનોક નેકવેએ વિરાટ કોહલીની બેટિંગની પ્રસંશા કરતાં કહ્યું હતં। કે, વિરાટ કોહલી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. જીતનો શ્રેય તેને જાય છે. કોહલી અને અજિંક્ય રહાણે વચ્ચે થયેલી પાર્ટનરશિપ મહત્ત્વની હતી. તેમણે નેતૃત્ત્વનું ઉદાહરણ રજૂ કર્યું હતું.

પહેલી ઈનિંગના રન મહત્ત્વના : પ્લેસિસ

સાઉથ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે પરાજય બાદ કહ્યું હતું કે ભારતીય ઉપખંડમાં ટેસ્ટ રમતી વખતે પહેલી ઈનિંગનો સ્કોર મહત્ત્વનો હોય છે. એમાં શાનદાર રમત દર્શાવવી પડે છે. એમાં ખરાબ રમો તો તમે પાછળ થઈ જાવ છો. વિરાટ કોહલી સામે અમે તમામ હથિયારોનો ઉપયોગ કર્યો પણ તેની પાસે દરેકનો સારો જવાબ હતો.

રિદ્ધિમાન સાહાની શાનદાર વાપસી

રિદ્ધિમાન સાહાએ પીઠના દર્દના કારણે આરામ લીધા બાદ લગભગ ૨૨ મહિના પછી વાપસી કરી છે. સાહાએ કહ્યું હતું કે, નેટ્સમાં સારા ફાસ્ટ બોલરો સામે વિકેટકીપિંગ કરવાથી મેચ વખતે પરિસ્થિતિ આસાન બને છે. ત્રણ ફાસ્ટ બોલરો ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીના બોલ મૂવ થતા હતા. એના માટે મેં નેટ્સમાં અભ્યાસ કર્યો હતો. આથી મને વિકેટકીપિંગ કરવાની મજા આવી હતી.

વિરાટ કોહલીની ૫૦ ટેસ્ટ મેચમાં ૩૦મી જીત, સ્ટીવ વો અને પોન્ટિંગની ખાસ ક્લબમાં સામેલ

સુકાની તરીકે ૫૦મી ટેસ્ટ મેચ રમનારા વિરાટ કોહલીએ સ્ટીવ વો અને રિકી પોન્ટિંગની ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. વિરાટ કોહલીએ પહેલી ૫૦ ટેસ્ટ મેચોમાંથી ૩૦માં જીત મેળવી છે અને ૩૦ ટેસ્ટ મેચ કે તેથી વધુ ટેસ્ટ જીતનારો એ દુનિયાનો ત્રીજો કેપ્ટન બન્યો છે. ૫૦ ટેસ્ટમાં કેપ્ટન બનીને સૌથી વધારે જીત મેળવનારા સૌથી સફળ સુકાનીનું નામ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોનું છે. તેણે પહેલી ૫૦ ટેસ્ટમાંથી ૩૭ ટેસ્ટમાં જીત મેળવી હતી. ત્યાર બાદ સફળ કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ છે. તેણે ૫૦ ટેસ્ટમાંથી ૩૫ ટેસ્ટમાં જીત મેળવી હતી. હવે ત્રીજા ક્રમે વિરાટ કોહલી છે જેણે ૫૦ ટેસ્ટમાંથી ૩૦ ટેસ્ટમાં જીત મેળવી છે. કોહલી બાદ ચોથા નંબરે વેસ્ટ ઇન્ડિઝના સુકાની વિવિયન રિચર્ડ્સનું નામ છે જેણે ૫૦ ટેસ્ટમાંથી ૨૭મા જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે સ્ટીવ વોએ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી ૫૭ ટેસ્ટમાંથી ૪૧ ટેસ્ટમાં જીત મેળવી છે. ૯મા એનો પરાજય થયો છે અને ૭ ટેસ્ટ ડ્રો થઈ છે. ૨૦૦૪થી ૨૦૧૦ સુધી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા રિકી પોન્ટિંગે ૭૭ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૪૮ ટેસ્ટમાં વિજય અપાવ્યો હતો એ ૧૬મા પરાજય થયો હતો. તેના સુકાનીપદ હેઠળ ૧૩ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પ. પોઇન્ટ્સ

ટીમ મેચ જીત હાર ડ્રો પોઇન્ટ

ભારત ૪ ૪ ૦ ૦ ૨૦૦

ન્યૂઝીલેન્ડ ૨ ૧ ૧ ૦ ૬૦

શ્રીલંકા ૨ ૧ ૧ ૦ ૬૦

ઓસ્ટ્રેલિયા ૫ ૨ ૨ ૧ ૫૬

ઇંગ્લેન્ડ ૫ ૨ ૨ ૧ ૫૬

વેસ્ટ ઈન્ડિઝ ૨ ૦ ૨ ૦ ૦૦

સા. આફ્રિકા ૨ ૦ ૨ ૦ ૦૦

બાંગ્લાદેશ ૦ ૦ ૦ ૦ ૦૦

પાકિસ્તાન ૦ ૦ ૦ ૦ ૦૦

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN