સુરતની હવાને શુદ્ધ કરવા માટે એર પ્યોરીફાયર ટાવર બનશે

Khabarchhe

Khabarchhe

Author 2019-10-14 15:14:11

img

સુરતમાં વધતા જતાં હવાના પ્રદુષણને અટકાવવા માટે સુરતમાં એર પ્યોરીફાયર ટાવર મુકવાની વિચારણા કરવામાં આવી રહી છે. સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં PM10ની માત્રા 160 કરતા વધુ નોંધાઈ છે, મહત્ત્વની વાત એ છે કે, PM10ની માત્રા 60 કરતા વધારે હોવી જોઈએ નહીં. વધતા પ્રદુષણને લઇને સુરતમાં પ્રદુષણ નિયંત્રણને લઇને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં IIT દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે ઉપસ્થિતિ રહ્યા હતા. આ વર્કશોપમાં દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશનને એર પ્યોરીફાયર ટાવરના ફાયદાઓ, આ ટાવર લગાવવાનો ખર્ચ અને તેની ખાસિયતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

એર પ્યોરીફાયર ટાવર બાબતે SVNITના પ્રોફેસર અને ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડૉ. આર. ઈ. ક્રિસ્ચિયને માહિતી આપી હતી કે, IIT દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરેએ ચીનમાં બનાવવામાં આવેલા એર પ્યોરીફાયર ટાવરનો સર્વે કર્યો છે અને આ ટાવર બનાવનાર ડૉ. પુઈના સંપર્કમાં પણ તેઓ છે.

સુરતમાં જે એર પ્યોરીફાયર ટાવર ઉભો કરવા માટે CERC, IIT દિલ્હી અને SVNIT દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ એર પ્યોરીફાયર ટાવર 500 મીટર જગ્યામાં લાગશે. તેની પહોળાઈ 10 મીટર અને ઉંચાઈ 24 મીટર હશે. આ ટાવરની અંદર 25 હોર્સ પાવરનું એક મશીન લગાવવામાં આવશે. આ મશીન દ્વારા રોજ 30,000 ક્યૂબિક મીટર હવા શુદ્ધ થઈ શકશે. જેનાથી એક લાખ લોકોને શુદ્ધ હવા મળી રહેશે. એક નાનામાં નાનો એર પ્યોરીફાયર ટાવર લગાડવાનો ખર્ચ અંદાજીત 1.5 કરોડ રૂપિયા થશે. આ ટાવર ચીનમાં બનેલા એર પ્યોરીફાયર ટાવરની પેટર્નના આધારે બનાવવામાં આવશે.

એર પ્યોરીફાયર ટાવર પ્રદુષિત હવાને અંદર તરફ ખેંચશે અને પછી હવાને ગરમ કરશે. આ ગરમ હવાને અલગ-અલગ લેવલ પર ફિલ્ટર ટાવરમાં શુદ્ધ કરવામાં આવશે. જો કે, મોટા ટાવરની સાથે કેટલાક મોબાઈલ ટાવર પણ ઉભા કરવામાં આવશે, જેથી અલગ-અલગ વિસ્તારો પણ હવાનું શુદ્ધિકરણ કરી શકાય. આ એર પ્યોરીફાયર ટાવર દિવસના સમયે ચલાવવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN