૨૦૧૫ બાદ ભારતે ૧૦મી વખત ૬૦૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો
। પૂણે ।
ભારતે એમસીએ સ્ટેડિયમ ખાતે રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. ભારતે પોતાનો પ્રથમ દાવ પાંચ વિકેટે ૬૦૧ રનના તોતિંગ સ્કોરે ડિકલેર કર્યો હતો. ત્યારબાદ રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાની ૩૬ રનમાં ત્રણ વિકેટ ઝડપી પણ લીધી હતી. બીજા દિવસના સ્ટમ્પના સમયે થેયુનિસ ડી બ્રૂન આઠ તથા એનરિક નોર્તઝે બે રને રમી રહ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરનાર ઉમેશ યાદવે બે તથા મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. ભારતના સ્કોરથી સાઉથ આફ્રિકન ટીમ હજુ પણ ૫૬૫ રન પાછળ છે. આ સાથે ભારતે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ૨૦૧૫ બાદ ૧૦મી વખત ૬૦૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો છે.
સાઉથ આફ્રિકાની નિરાશાજનક શરૂઆત
ભારતના તોતિંગ સ્કોરના દબાણ હેઠળ મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી નહોતી અને માત્ર બે રનના સ્કોર ઓપનર માર્કરામ (૦)ની વિકેટ પડી ગઈ હતી. ઉમેશે ત્યારબાદ બીજા ઓપનર ડીન એલ્ગરને (૬) પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. મોહમ્મદ શમીએ પોતાના પ્રારંભિક સ્પેલના પ્રથમ બોલે જ ટેમ્બા બાવુમાને (૮)ને વિકેટકીપર સાહાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ભારતે ડીઆરએસનો સહારો લેતા તે આઉટ જાહેર થયો હતો.
ભારતે છેલ્લા તબક્કામાં દાવ ડિકલેર કર્યો
બીજા દિવસે ટી-ટાઇમ બાદ ભારતે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો અને કોહલી ૨૫૪ રને અણનમ રહ્યો હતો. નવ રન માટે સદી ચૂકેલા જાડેજા (૯૧)ના આઉટ થવાની સાથે કોહલીએ ઇનિંગ્સને ડિકલેર કરી હતી. જાડેજાએ ૧૦૪ બોલમાં આઠ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી. ભારતના પ્રથમ દાવમાં ઓપનર મયંક અગ્રવાલ (૧૦૮), અજિંક્ય રહાણે (૫૯) તથા ચેતેશ્વર પૂજારાના ૫૮ રનનું યોગદાન પણ રહ્યું હતું. કોહલી અને જાડેજા વચ્ચે પાંચમી વિકેટ માટે ૨૨૫ રનની ભાગીદારી નોંધાઈ હતી. સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડાએ ત્રણ, મહારાજ અને મુથુસામીએ એક-એક વિકેટ હાંસલ કરી હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૧, ૦૦૦ રન પૂરા કર્યા
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૨૧ હજાર રન પૂરા કરવા માટે ૨૮૧ રનની જરૂર હતી. જેણે પૂણે ખાતેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં જ પૂરા કરી લીધા હતા અને આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
ફાસ્ટેસ્ટ ૨૧ હજાર ઇન્ટરનેશનલ રન
વિરાટ કોહલી (ભારત) : ૩૯૨ મેચ
બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડિઝ) : ૩૯૬ મેચ
સચિન તેંડુલકર (ભારત) : ૪૧૮ મેચ
૦૫ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના પાંચ બેટ્સમેનોએ ૨૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. કોહલી ઉપરાંત વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ અને કરુણ નાયરે આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગ ચાર વખત ૨૫૦ પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યો છે. બાકીના અન્ય ખેલાડીઓએ એક-એક વખત ૨૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો.