98.22 : રોહિતની ઘરઆંગણાની રન સરેરાશ

Indian News

Indian News

Author 2019-10-03 13:35:35

img

વિશાખાપટ્ટનમ, તા.૨

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં નોટઆઉટ ૧૧૫ રન ફટકારતાં ટેસ્ટ ક્રિકેટમાં તેની રન સરેરાશ ૯૮.૨૨ થઈ ગઈ હતી. રોહિતે કારકિર્દીની ૧૦ ટેસ્ટની ૧૫ ઈનિંગમાં ૯૮.૨૨ની સરેરાશથી ૮૮૪ રન ફટકાર્યા છે, જેમાં ચાર સદી અને પાંચ અડધી સદી સામેલ છે.

યોગાનુંયોગ ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી બેટસમેન સર ડોન બ્રેડમેનની ઘરઆંગણાની સરેરાશ પણ ૯૮.૨૨ છે. જોકે બ્રેડમેનની સિદ્ધિ એટલા માટે મહાન કહેવાય, કારણ કે તેમણે ઘરઆંગણાની ૩૩ ટેસ્ટમાં ૫૦ ઈનિંગ રમ્યા બાદ ૯૮.૨૨ની સરેરાશ મેળવી હતી. તેમણે કુલ ૪,૩૨૨ રન ફટકાર્યા હતા. બ્રેડમેનની ઈનિંગમાં ૧૮ સદી અને ૧૦ અડધી સદી સામેલ છે.

રોહિતનો ટેસ્ટનો હાઈએસ્ટ સ્કોર ૧૭૭ છે. જ્યારે બ્રેડમેનનો ઘરઆંગણાનો ટેસ્ટનો હાઈએસ્ટ સ્કોર અણનમ ૨૯૯ રન છે. રોહિત ટેસ્ટ ક્રિકેટમાં આ ૧૦ ઈનિંગ બાદ સદી ફટકારી હતી. તેણે છેલ્લે નવેમ્બર, ૨૦૧૭માં શ્રીલંકા સામેની નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી હતી. નોંધપાત્ર છે કે, રોહિતની કારકિર્દીની ચોથી સદી ઘરઆંગણે નોંધાઈ છે. ઘરઆંગણે ૯૮.૨૨ની સરેરાશ ધરાવતા રોહિતની વિદેશની ભૂમિ પરની રન સરેરાશ માત્ર ૨૬.૩૨ની છે.

રોહિતે દ્રવિડના રેકોર્ડની બરોબરી કરી

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની વિશાખાપટ્ટનમ ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ૧૧૫ રન ફટકારતાં અનોખો રેકોર્ડ સર્જ્યો હતો. આ સાથે તેણે ઘરઆંગણે સતત છઠ્ઠી ટેસ્ટ ઈનિંગમાં ૫૦થી વધુનો સ્કોર કર્યો હતો. રોહિતે આ સાથે ભારતના લેજન્ડરી બેટસમેન રાહુલ દ્રવિડના સ્કોરની બરોબરી હાંસલ કરી લીધી હતી. દ્રવિડે ઈ.સ.૧૯૯૭ થી ૧૯૯૮ દરમિયાન ઘરઆંગણે સતત છ ઈનિંગમાં ૫૦ કે વધુનો સ્કોર કર્યો હતો.

૨૦૧૫ બાદ પહેલીવાર ઓપનિંગમા બેવડી શતકીય ભાગીદારી

રોહિત અને મયંકની જોડીએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં નોટઆઉટ ૨૦૨ રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે ભારતને ચાર વર્ષમાં પહેલી વખત ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેવડી શતકીય ભાગીદારી મળી હતી. છેલ્લે ૨૦૧૫માં બાંગ્લાદેશ સામે ફાતુલ્લામાં રમાયેલી ટેસ્ટમાં શિખર ધવન અને મુરલી વિજયની ઓપનિંગ જોડીએ ભારતને બેવડી શતકીય ભાગીદારી અપાવી હતી.

સાઉથ આફ્રિકા સામે ત્રીજી વખત ઓપનિંગમાં ૨૦૦થી વધુ

રોહિત અને મયંકની જોડીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઓપનિંગમાં બેવડી શતકીય ભાગીદારી નોંધાવી હતી. આ ભારત તરફથી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ઓપનિંગમાં નોંધાયેલી ત્રીજી ઓપનિંગ ભાગીદારી છે. અગાઉ ૨૦૧૮ની કાનપુર ટેસ્ટમાં ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગની જોડીએ તેમજ ૨૦૦૮ની ચેન્નાઈ ટેસ્ટમાં વિરેન્દ્ર સેહવાગ અને વસીમ જાફરની જોડીએ ઓપનિંગમાં બેવડી શતકીય ભાગીદારી નોંધાવી હતી.

ઓપનિંગમાં સદી : રોહિત ચોથો બેટ્સમેન

ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ઓપનિંગમાં ઉતરીને સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારો રોહિત શર્મા ભારતનો ચોથો બેટ્સમેન બન્યો હતો. અગાઉ શિખર ધવન (૧૮૭, વિ. ઓસી., મોહાલી, ૨૦૧૩), લોકેશ રાહુલ (૧૧૦, વિ. ઓસી., સીડની, ૨૦૧૫), પૃથ્વી શૉ (૧૩૪, વિ. વિન્ડિઝ, રાજકોટ, ૨૦૧૮) આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.ધવન અને શૉએ કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN