પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવી ભારત 1-0ની સરસાઈમાં

Indian News

Indian News

Author 2019-10-06 16:39:39

img

વિશાખાપટનમ - અહીંના ACA-VDCA સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 203 રનથી પછાડી દીધું છે. 395 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાનો બીજો દાવ આજે પાંચમા અને આખરી દિવસે 191 રનમાં સમેટાઈ ગયો. આ જીત સાથે ભારતે 3-મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.

સાઉથ આફ્રિકાના બીજા દાવમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 35 રનમાં પાંચ વિકેટ લીધી, તો ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 87 રનના ખર્ચે 4 બેટ્સમેનને આઉટ કર્યા. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ફાળે એક વિકેટ આવી છે.

પ્રવાસી ટીમે ભારતના બોલરોને પહેલા દાવમાં સરસ લડત આપી હતી, પણ બીજા દાવમાં એમનો દેખાવ સદંતરપણે કંગાળ રહ્યો હતો.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનો આ એક વધુ - ત્રીજો વિજય છે.

સાઉથ આફ્રિકાએ 1 વિકેટે 11 રનના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો, પણ ટોપ-ઓર્ડરમાં એનો કોઈ બેટ્સમેન ઉલ્લેખનીય દેખાવ કરી શક્યો નહોતો. પહેલા દાવમાં 160 રન કરનાર ડીન એલ્ગર 2 રન કરીને આઉટ થયો હતો જ્યારે ઓપનર એડન માર્કરામ 39, ટુનિસ બ્રુઈન 10, કેપ્ટન ફાફ ડુ પ્લેસી 13 રન કરીને આઉટ થયો હતો. ટેમ્બા બાવુમા, વિકેટકીપર ક્વિન્ટન ડી કોક, વેર્નન ફિલેન્ડર અને કેશન મહારાજ ઝીરો પર આઉટ થયા હતા.

ઓપનર રોહિત શર્માને 'મેન ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બંને દાવમાં સદી ફટકારી હતી. ઓપનરના રૂપમાં પહેલી જ વાર રમીને ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારનાર એ વિશ્વનો પહેલો જ બેટ્સમેન બન્યો છે. એણે પહેલા દાવમાં 176 અને બીજા દાવમાં 127 રન કર્યા હતા.

સંક્ષિપ્ત સ્કોરઃ

ભારતઃ પહેલો દાવ 502-7 ડિકલેર (મયંક અગ્રવાલ 215, રોહિત શર્મા 176, રવિન્દ્ર જાડેજા 30*. કેશવ મહારાજ 189 રનમાં 3 વિકેટ)

બીજો દાવ 323-4 ડિકલેર (રોહિત શર્મા 127, ચેતેશ્વર પૂજારા 81, રવિન્દ્ર જાડેજા 40, વિરાટ કોહલી 31*. કેશવ મહારાજ 129 રનમાં 2 વિકેટ)

સાઉથ આફ્રિકાઃ પહેલો દાવ 431 (ડીન એલ્ગર 160, ક્વિન્ટન ડી કોક 111, ફાફ ડુ પ્લેસી 55, સેનુરન મુથુસામી 33. રવિચંદ્રન અશ્વિન 145 રનમાં 7 વિકેટ, રવિન્દ્ર જાડેજા 124 રનમાં 2 વિકેટ)

બીજો દાવ 191 (ડેન પીઈટ 56, સેનુરન મુથુસામી 49*, એઈડન માર્કરામ 39, મોહમ્મદ શમી 35 રનમાં પાંચ, રવિન્દ્ર જાડેજા 87 રનમાં 4 વિકેટ)

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN